સરદાર સરોવર ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં નર્મદા નદીમાં છોડાયેલા પાણીએ ભરૂચ શહેરમાં તબાહી મચાવી હતી. શહેરમાં પૂરના પાણી ઓસરતાં જ શહેરમાં તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. એને કારણે રાજકારણીઓ પ્રજાની નારાજગીનો એક બાદ એક ભોગ બની રહ્યા છે. ગત રોજ ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિનો અંકલેશ્વર અને ભરૂચમાં ઘેરાવો કરી પૂરથી નારાજ પ્રજાએ ઊઘડો લીધો હતો. તો આજે અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાનિકોના રોષનો બોગ બનવું પડ્યું હતું.
નાજુક સ્થિતિને જોઈ ચાલતી પકડી
ભરૂચ અને અંકલેશ્વરમાં પૂર બાદ હવે પૂરગ્રસ્તો વચ્ચે જઈ રહેલા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિનો બુધવારે અંકલેશ્વર અને ભરૂચમાં ઘેરાવો કરી પૂરથી નારાજ પ્રજાએ ઊઘડો લીધો હતો. નેતાઓ, રાજકારણીઓ સાથે અધિકારીઓને પણ નાજુક સ્થિતિને જોઈ ચાલતી પકડવી પડી હતી. ત્યારે આજરોજ વધુ એક નેતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની બોલતી બંધ થઈ ગઈ હતી.
ગામના લોકોએ ધારાસભ્યનો ઘેરાવો કર્યો હતો
અંકલેશ્વરમાં ગુરુવારે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તાલુકાના જૂના બોરભાઠા ગામે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. હજી તો ધારાસભ્ય કારમાંથી નીચે ઊતરી પ્રજાને સાંત્વના આપે એ પહેલા જ પૂરગ્રસ્ત લોકોએ તેમને ઘેરી લઈ રોષનો મારો શરૂ કરી દીધો હતો. સ્થાનિકોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે વોટ માગવા આવશો નહીં, એકપણ SDRF કે તંત્રની ટીમ અમારા ગામે આવી નથી. પૂર વખતે કોઇ ના દેખાયું ને હવે બધા નેતા નીકળી પડ્યા છે. સમય પર કોઈ નહીં આવ્યું સાહેબ એમ કહી ગ્રામજનોએ ધારાસભ્યને ગામમાંથી બહાર નીકળવા રોકડું પરખાવી દીધું હતું. કોઈ નેતા ગામમાં જોઈએ નહીં, જતા રહોના લોકોના જનઆક્રોશ વચ્ચે અંતે ધારાસભ્યને પોતાની કારમાં બેસી ગામ છોડી દેવાનો વારો આવ્યો હતો.
નર્મદાના પાણીએ તારાજી સર્જી
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ભરૂચ શહેરમાં નર્મદાના પાણીએ ભારે તારાજી સર્જી હતી. ભરૂચ શહેરમાં 53 વર્ષના લાંબા ગાળા બાદ આવી તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પૂરના પાણી ભરૂચમાં ગોલ્ડનબ્રિજે મહત્તમ 40.47 ફૂટે સ્પર્શી ગયા હતા. નર્મદા ડેમના 23 ગેટ ખોલી સાગમટે 18 લાખ ક્યૂસેક ઉપરાંત છોડાયેલા પાણીથી ભયાનક નુકસાન થયું હતું. રેલના પાણી ઓસર્યા બાદ હવે ભરૂચ અને અંકલેશ્વરમાં અત્ર, તત્ર અને સર્વત્ર તબાહીના મંજર સામે આવ્યા હતા. દુકાનોની અંદર પાણી ઘૂસી જવાના કારણે વેપારીઓને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.