આવતીકાલથી ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની સામાજિક કાર્યકર યુવતી નિશિતા રાજપૂતે હિન્દૂ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં વડોદરા શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી 201 જેટલી બાળાને કમાટીબાગ ખાતે એકત્રિત કરીને ડ્રાયફૂટ્સનાં પેકેટ આપવામાં આવ્યાં હતાં. આ સાથે જ ગૌરીવ્રતના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરની આર. એન્ડ. કે. પંડ્યા સ્કૂલની 51 મુસ્લિમ દીકરીએ 201 હિન્દુ દીકરી મહેંદી મૂકીને ગૌરીવ્રતની ઉજવણીની શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યથી યુનિટીનો મેસેજ આપ્યોઃ નિશિતા રાજપૂત
વડોદરાની સામાજિક કાર્યકર યુવતી નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે હું છેલ્લાં 14 વર્ષથી બેટી બચાવો, બેટી પઢાવોના અભિયાન પર કામ કરી રહી છું. જોકે અમે એમાં એક સ્લોગન એડ કર્યું છે કે બેટીઓ કો ખુશિયાં દો. આવતીકાલથી ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને આજે અમે 200થી વધુ દીકરીઓને કમાટીબાગમાં ડ્રાયફ્રુટ્સનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત 51 મુસ્લિમ દીકરીએ આજે 201 હિન્દુ દીકરીને મહેંદી મૂકી છે. છેલ્લાં 15 વર્ષથી મુસ્લિમ છોકરીઓ કમાટીબાગમાં આવે છે અને હિન્દુ છોકરીઓને મહેંદી મૂકીને ભાઈચારાનો મેસેજ આપે છે. આ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓમાં કોઈ મતભેદ નથી. મુસ્લિમ છોકરીઓ હંમેશાં ઉત્સુક હોય છે કે ક્યારે ગૌરીવ્રત આવે અને અમે હિન્દુ બહેનોને મહેંદી મૂકવા જઈએ. આજે અમે આ કાર્યક્રમ થકી યુનિટીનો મેસેજ આપ્યો છે.
‘ગર્લ્સ એજ્યુકેશન પર કામ કરું છું’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લાં 14 વર્ષથી ગર્લ્સ એજ્યુકેશન પર કામ કરું છું. અત્યારસુધીમાં 42,100 દીકરીને સ્કૂલ ફી ભરવામાં મદદ કરી છે અને આગામી દિવસોમાં પણ મારું આ કાર્ય ચાલુ રાખીશ.
અમે મહેંદી મૂકવા ઉત્સુક હોઈએ છીએઃ તરન્નુમ મેમણ
મુસ્લિમ વિદ્યાર્થિની તરન્નુમ મેમણે જણાવ્યું હતું કે અમે લોકો આર. એન્ડ. કે. પંડ્યા સ્કૂલમાંથી આવીએ છીએ. દર વર્ષે નિશિતા દીદી અમને ગૌરીવ્રતમાં બોલાવે છે અને અમે મુસ્લિમ દીકરીઓ હિન્દૂ દીકરીઓને મહેંદી મૂકવા આવીએ છીએ. અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી. અમે બધા એકબીજાને ફ્રેન્ડ માનીએ છીએ અને હિન્દુ છોકરીઓને મહેંદી લગાવીએ છીએ. અહીં અમને બધાને ખૂબ મજા આવે છે અને અમે બધા ભેગા મળીને નાસ્તો કરીએ છીએ. દર વર્ષે ગૌરીવ્રત નિમિત્તે હિન્દુ છોકરીઓને મહેંદી મૂકવા માટે ખૂબ જ ઉત્સુક હોઈએ છીએ.
ખૂબ જ સરસ મહેંદી મૂકી છેઃ ધ્રુવી માછી
ગૌરીવ્રત કરનાર હિન્દુ દીકરી ધ્રુવી માછીએ જણાવ્યું હતું કે હું અહીં પહેલીવાર મહેંદી મૂકવા માટે આવી છું, પણ ખૂબ જ મજા આવી છે. અમને મુસ્લિમ દીકરીઓએ મહેંદી મૂકી છે અને આ મહેંદી ખૂબ જ સરસ રીતે મૂકવામાં આવી છે. અહીં હિન્દુ અને મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે.