IPLમાં સફળ થયા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની કોમેન્ટ્રી ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી 11 પ્રાદેશિક ભાષાઓમાં થશે. આ પહેલીવાર બનશે જ્યારે હિન્દી-અંગ્રેજી સિવાય પ્રાદેશિક ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય મેચની કોમેન્ટ્રી કરવામાં આવશે. તેની શરૂઆત ભારતીય ટીમના વેસ્ટઈન્ડિઝ પ્રવાસથી થઈ રહી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, JIOએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની મેચો માટે પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રી કરવાનું મન બનાવી લીધું છે. તેણે વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે ફેન કોડ સાથે જોડાણ કર્યું છે. ફેન કોડ OTT પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમિંગના રાઇટ્સ ધરાવે છે.
JIOના એક ઑફિશિયલ્સે જણાવ્યું કે, ‘અમે વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રીની પેનલ બનાવી રહ્યા છીએ. વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ 12 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. ત્યાં ટીમ ઈન્ડિયા 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમશે.’
27 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ODI અને T20 શ્રેણી
આંતરરાષ્ટ્રીય મેચની પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રી 27 જુલાઈથી શરૂ થશે. આ દિવસથી ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝ સાથે ત્રણ વન-ડે અને પાંચ T20 મેચની સિરીઝ રમવાની છે. વન-ડે શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઈ, બીજી 29 જુલાઈ અને ત્રીજી 1 ઓગસ્ટે રમાશે. પ્રથમ બે મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે રમાશે, જ્યારે છેલ્લી મેચ ત્રિનિદાદની બ્રાયન લારા એકેડમીમાં રમાશે.
ચાહકોને IPLમાં ભોજપુરી કોમેન્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી
IPL મેચમાં ભોજપુરી સહિત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રીની સફળતા બાદ JIOએ આ પહેલ કરી છે. તમને જણાવી દઈએ કે IPL મેચ દરમિયાન ફેન્સને ભોજપુરી કોમેન્ટ્રી ઘણી પસંદ આવી છે. ખાસ કરીને હિન્દી પટ્ટાના ચાહકો (રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહાર)એ ભોજપુરી કોમેન્ટ્રીમાં ઘણો રસ દાખવ્યો. IPLની ભોજપુરી કોમેન્ટ્રી પેનલમાં રવિ કિશન સહિત 10 નામ સામેલ હતા.