ચોમાસા દરમિયાન ચાલવું મુશ્કેલ,રોડ, રસ્તાઓ અને ગટરની પૂરતી સગવડ પણ નથી !
પ્રભાસ પાટણનાં વોર્ડ નં.2ના રહીશોએ પાણી ભરાવાના ત્રાસથી કંટાળી જઈ પાલિકાને આવેદન પાઠવ્યું હતું અને વહેલી તકે રોડ ,રસ્તા અને ગટરની પૂરતી સગવડો મળે તે અંગે રજૂઆત કરી હતી.કારોબારી ચેરમેનએ એન્જિનિયરને સ્થિતિ જાણી યોગ્ય કરવા સૂચન કર્યું હતું.
વેરાવળ – પાટણ સયુંકત નગરપાલિકાના વિસ્તારમાં આવતી પ્રભાસ પાટણની મંગલમ સોસાયટીમાં રહેતા રહીશોએ આજરોજ પાલિકાને પોતાના વિસ્તારને લાગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા અનુસાર રોડનું લેવલ ન હોવાને કારણે બારે માસ પાણી ભરાયેલ રહે છે.ઉપરાંત મહિલાઓ અને બાળકોને ચાલવું મુશ્કેલ બને છે.ત્યાં બાજુમાં જ સરકારી શાળા પણ આવેલી હોઈ જેના પરિણામે છાત્રોએ પણ આ પાણીમાંથી જ પસાર થઈને શાળાએ જવું પડે છે.ભૂગર્ભ ગટર અને રસ્તાઓના કામ અધૂરા હોઈ જેના કારણે ઘણી વાર ગટરના પાણી પણ ઉભરાઈને બહાર આવે છે.પીવાના પાણીમાં પણ ગટરના પાણી ઘણી વાર ભેગા થઈ જાય છે જેના કારણે રહીશોએ વેચાતું પાણી લેવું પડે છે.જોકે રજૂઆતને પગલે કારોબારી ચેરમેને તાત્કાલિક એન્જિનિયર અને સંબંધિત અધિકારીઓને બોલાવી સ્થળની મુલાકાત લઈ યોગ્ય કરવા સૂચન આપ્યું હતું.
વિજયભાઈએ જણાવ્યું હતું કે પાંચ પાંચ વર્ષથી અરજીઓ કરીએ છીએ પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે.ઘણી વાર પાણી વેચાતું લઇને પીવું પડે છે.રોડ રસ્તા બનતા નથી.બાજુમાં જ શાળા છે જ્યાં વિધાર્થીઓએ પણ વરસાદમાં ગોઠણડૂબ પાણીમાં આવવું પડે છે.આજે ફરી ચાલુ વરસાદે અમે રજૂઆત કરવા આવ્યા છીએ તંત્ર અમારું સાંભળીને યોગ્ય કરે તેવી જ અમારી વિનંતી છે.( વિજયભાઈ – સ્થાનિક )
20 વર્ષથી અમારી સોસાયટી બની છે પરંતુ પાણી અને ગટરના કારણે ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. સગર્ભાઓને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે.અવાર નવાર પાણીમાંથી જ પસાર થઈને અવર જવર કરવી પડે છે.જેથી તંત્રને વિનંતી છે કે વહેલી તકે અમારી સમસ્યા સમજીને તેનો નિકાલ કરે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)