જામનગર શહેરમાં વોશિંગ પાઉડર સહિતની ચીજવસ્તુઓની વેચાણ કરતી કંપનીનો માલસામાન દુકાનદારોને વેચી નાખી અને જે પૈસા આવેલ તે પોતાની પાસે રાખી કંપનીમાં જમા નહીં કરાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતાં સેલ્સ ઈન્ચાર્જ સામે અન્ય કર્મચારીએ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
જામનગર શહેરમાં રણજીતસાગર રોડ, હર્ષદ મીલની ચાલી ખાતે આવેલ ખીમજી રામદાસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીની બ્રાંચમાં નીલકંઠનગર વિસ્તારમાં રહેતો દીપક મનજીભાઈ ગોહિલ નામનો શખ્સ સેલ્સ ઈન્ચાર્જ તરીકે કારભાર સંભાળતો હોય અને જામનગર શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારમાં અલગ અલગ દુકાનદારો પાસેથી વોશિંગ પાઉડર, શેમ્પૂ, વિક્સની આઈટેમો વગેરેનું માર્કેટીંગ અને વેચાણ કરવા માટે ઓર્ડર લઈ અમુક વેપારીને માલ વેચી તેમજ અમુક વેપારી પાસેથી પ્રોડકટનો માલ પરત લઈ બારોબાર વેચી નાખેલ હોય, ઉપરાંત અમુક પ્રોડકટ સસ્તા ભાવે વેચાણ કરી દુકાનદારો પાસેથી પૈસા લઈ લીધાં હતાં, પરંતુ કંપનીમાં આ રકમ જમા નહીં કરાવી કુલ મળી રૂપિયા 9.14 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરતાં દીપક ગોહિલ નામના શખ્સ સામે આ જ કંપનીના કર્મચારીએ સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં આઈપીસી કલમ 406 અને 420 મુજબ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.