News Updates
GUJARAT

ACમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી મધરાતે :GNLUના મહિલા પ્રોફેસરની વૃદ્ધ માતાનું ગૂંગળામણથી મોત,ગાંધીનગરના સરગાસણનાં ફ્લેટમાં ભીષણ આગથી અફરાતફરી મચી

Spread the love

ગાંધીનગરના સરગાસણ વાસણા હડમતીયામાં આવેલ સાર્થક ફ્લેટના ચોથા માળે આવેલા મકાનનાં AC માં શોટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી. જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં મહિલા પ્રોફેસર અને તેમના માતા જેમતેમ કરીને ફ્લેટની બહાર નીકળી ગયા હતા. જો કે, 75 વર્ષીય માતાનું ગૂંગળામણનાં કારણે મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફ્લેટમાં રહેતા વસાહતીઓને સલામત સ્થળે ખસેડી ભારે જહેમત પછી ફ્લેટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ગાંધીનગર સરગાસણનાં વાસણા હડમતીયામાં આવેલ સાર્થક ફ્લેટના ચોથા માળે મકાનમાં AC માં શોટ સર્કિટનાં કારણે ભીષણ આગ લાગતા 75 વર્ષીય વૃદ્ધાનું ગૂંગળામણથી મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં ઈકોનોમિક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. રનીતાબેન હીરાલાલ નાગર સરગાસણ વાસણા હડમતીયામાં આવેલ સાર્થક રેસિડેન્શિ સોસાયટીનાં ચોથા માળે આવેલ ફ્લેટ નંબર – A/404 માં તેમના 75 વર્ષીય વૃદ્ધ માતા રંજનબેન નાગર સાથે રહે છે.

ગઈકાલે જમી પરવારીને ડૉ. રનીતાબેન અને તેમની માતા રંજનબેન અલગ અલગ રૂમમાં સૂતા હતા. ત્યારે આશરે બે અઢી વાગ્યાના અરસામાં AC માં અચાનક બ્લાસ્ટ થવાની સાથે આગ ભભૂકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં કારણે મા-દીકરી ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગી ઉઠ્યા હતા. ધીમેધીમે આગે ઘરના ફર્નિચર સહિતના સર સામાનને ઝપેટમાં લઈ લીધા હતા. બનાવના પગલે ડૉ. રનીતાબેને બુમાબુમ કરતા આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા.

બાદમાં જેમતેમ કરીને ડૉ. રનીતાબેન તેમના વૃદ્ધ માતા રંજનબેનને લઈને ફ્લેટની બહાર નીકળી ગયા હતા. જો કે, આગના ધુમાડાના કારણે રંજનબેન બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ દરમિયાન બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બે ફાયર ટેન્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રંજનબેનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જો કે, સિવિલમાં ફરજ પરના તબીબે રંજનબેનને મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમે અત્રેના ફ્લેટના 100 જેટલા વસાહતીઓને ચોથા માળેથી નીચે સલામત સ્થળે ખસેડી ફ્લેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટેની કામગીરી આરંભી દીધી હતી. ફ્લેટમાં લાગેલી ભીષણ આગના કારણે ધુમાડો ફ્લેટમાં પ્રસરી ગયો હતો. જેનાં કારણે વિઝિબીલીટી પણ નહિવત થઈ ગઈ હતી. બાદમાં ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ આગને અન્ય ફ્લેટ સુધી પ્રસરતા અટકાવી દીધી હતી. આ બનાવના પગલે વસાહતીઓનાં જીવ તાળવે ચોંટી ગયા હતા.

બનાવના પગલે સેક્ટર – 7 પોલીસ મથકના પીએસઆઇ એન વી નાયી પણ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરે જમાવ્યું હતું કે, રૂમના AC માં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનામાં 75 વર્ષીય રંજનબેન નાગરનું ગૂંગળામણનાં કારણે અવસાન થયું છે. જ્યારે પીએસઆઇ નાયીએ કહ્યું કે, ડો. રનીતાબેન GNLU માં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. મા દીકરી એકલા જ ફ્લેટમાં રહેતા હતા. પ્રાથમીક જાણકારી મુજબ ઘરમાં અગરબત્તી પણ સળગાવી હતી. મોડી રાતે અચાનક AC માં આગ લાગી હતી. વૃદ્ધા રંજનબેનનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.


Spread the love

Related posts

દિવ્યાંગ નકલી પગમાં ગાંજો સંતાડી બેખોફ વેચતો:ધો.12 પાસ થયાની ખુશી ટ્રેન અકસ્માતે છીનવી, બંને પગ કપાઈ જતાં નશાના વેપારમાં સંડોવાયો, કહાણી સાંભળી પોલીસ પણ ચોંકી

Team News Updates

17મો હપ્તો આ તારીખે ખાતામાં આવી શકે છે,12 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર

Team News Updates

છતી વીજળીએ અંધારપટ!:ભરૂચ પાલિકાએ રૂ. 7.50 કરોડનું બાકી વિજબીલ ન ભર્યું તો DGVCLએ 2000 સ્ટ્રીટ લાઈટ્સ બંધ કરી દીધી, ચાર દિવસથી છવાયા છે અંધારા

Team News Updates