ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. ત્યારે બોર્ડ દ્વારા સમય કરતા વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશેની જાહેરાત કરાઈ હતી, પરંતુ ચૂંટણીને કારણે હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના પૂરી થઈ છે. પરીક્ષામાં પેપર પૂરું થતાં જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી. 75 હજાર શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યાર બાદ બોર્ડની કચેરી દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ 12 સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું.
બોર્ડના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, બોર્ડના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહિ આવે. મતદાન બાદ જ પરિણામ જાહેર થશે. ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા છે.