વલસાડમાં બંદૂકના નાળચે રૂપિયા 40 લાખના દાગીનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. જિલ્લાના વાપીમાં ગત મોડી સાંજે શ્રી અંબિકા જ્વેલર્સના સંચાલકને લૂંટીને ત્રણ શખસ ફરાર થઇ ગયા હતા, જેના સીસીટીવી સામે આવ્યા છે. એમાં સ્પષ્ટ દેખાય છે કે ગાડી સાફ કરી રહેલા જ્વેલર્સ-સંચાલકને બાઇક પર આવેલા ત્રણ બુકાનીધારી લૂંટારાઓ બંદૂક બતાવીને લૂંટીને ફરાર થઇ જાય છે. વેપારીની ફરિયાદના આધારે પોલીસે લૂંટારાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

બાઇક પર આવેલા ત્રણ શખસ વેપારીને લૂંટીને ફરાર
વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલી શ્રી અંબિકા જ્વેલર્સના સંચાલક ચિરાગ અજય સિન્હા રોજની આદત મુજબ રાત્રે દુકાન બંધ કરતી વખતે તમામ ઘરેણાંને બેગમાં લઈને ઘરે પરત આવતા હોય છે. રૂટિન મુજબ સોમવારે રાત્રે ચિરાગ દુકાન બંધ કરતી વખતે ઘરેણાં ભરેલી બેગ કારમાં મૂકી દુકાન બંધ કરવાની બાકીની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમોએ ચિરાગ પાસે આવી દેશી કટ્ટો બતાવી કાર ખોલાવડાવી હતી. કારની પાછળની સીટ ઉપર મૂકેલી રૂપિયા 40 લાખની કિંમતના સોના-ચાંદીનાં ઘરેણાં ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયા હતા.
પોલીસે રાતોરાત નાકાબંધી કરી, પણ…
લૂંટારાઓ લૂંટીને ફરાર થઇ જતાં ગભરાઇ ગયેલા જ્વેલર્સ-સંચાલકે તરત પોલીસને જાણ કરી હતી, જેથી વાપી DySP, LCB, SOG સહિત જિલ્લાની પોલીસે રાતોરાત જિલ્લામાં નાકાબંધી કરી હતી અને આરોપીઓને ઝડપવા પ્રયાસ કર્યા હતા, જોકે રાત્રે લૂંટારાઓ હાથ ન લાગતાં આજુબાજુના સીસીટીવી તપાસીને પોલીસ લૂંટારાઓનું પગેરું શોધી રહી છે.
સીસીટીવીમાં શું જોવા મળે છે?
સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે શ્રી અંબિકા જ્વેલર્સના સંચાલક ચિરાગ સિન્હા પોતાની કાર સાફ કરી રહ્યા છે. આ દરમિયાન બાઇક પર ત્રણ શખસ આવે છે અને વેપારીને દેશી કટ્ટો બતાવે છે, જોકે પહેલા જ્વેલર્સ સંચાલક આ યુવકો મજાક કરતા હોવાનું અનુમાન લગાવી કોઇ રિએક્ટ નથી કરતો. જોકે થોડીવારમાં શખસો હવામાં ફાયરિંગ કરીને જ્વેલર્સ-સંચાલકને ડરાવે છે. ત્રણ શખસમાંથી એક શખસ ગાડીના પાછળનો દરવાજો ખોલી એમાંથી રૂપિયા 40 લાખની કિંમતના દાગીનાની બેગ કાઢે છે. આ દરમિયાન એક શખસ હાથમાં રહેલા કટ્ટાથી જ્વેલર્સ-સંચાલકને ડરાવે છે અને એક શખસ થોડો દુર હોય છે. આમ, ત્રણેય શખસ ગણતરીની સેકન્ડોમાં 40 લાખના દાગીના લઇને હવામાં ઓગળી જાય છે.
શું કહે છે જ્વેલર્સ-સંચાલક?
શ્રી અંબિકા જ્વેલર્સ-સંચાલક ચિરાગ સિન્હાએ જણાવ્યું હતું કે બાઇક ઉપર આવેલા ત્રણ લૂંટારા પૈકી એકના હાથમાં દેશી તમંચો જેવું હથિયાર હતું, જેનાથી હવામાં ફાયર કર્યુ હતું. પ્રથમ તો આવેલા ઇસમો મજાકમસ્તી કરતા હોવાનું જણાયું હતું, જોકે ફાયર કર્યા બાદ બીજા લૂંટારાએ કોયતા જેવું હથિયાર બહાર કાઢયું હતું. આમ, હથિયારને જોતા ડરી ગયો અને બેગ લઇને લૂંટારાઓ ગણતરીની સેકન્ડમાં જ ફરાર થઇ ગયા હતા. રાત્રિએ દુકાન બંધ કરવા પૂર્વે તમામ દાગીના બેગમાં ભરીને ઘરે લઇ જતા હોવાનું જાણતા હોવાથી કે રેકી કરી હોવાથી ખૂબ જ આસાનીથી બેગ લૂંટી ગયા હતા.