સરકારી કર્મચારીના અપમૃત્યુની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે, મોડાસા ખાતે એક મહિલા પોલીસ કર્મચારીએ પંખે લટકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
વાત છે અરવલ્લી જિલ્લાના મોડાસાની. મોડાસા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ASIમાં ફરજ બજાવતી અને પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી રીટા ચૌધરી મૂળ ચંદ્રાલા પાસે છાલા ગામની વતની હતી. જે છેલ્લા 10 વર્ષથી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા. જેમના મોડાસાના મેઢાસણ ખાતે દીલીપ ચૌધરી સાથે લગ્ન થયા હતા. પતિ દિલીપ ચૌધરી પણ મોડાસા ટાઉન પોલીસમાં જ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેઓ પરિવાર સાથે છેલ્લા બે વર્ષથી નવા પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા. પરિવારમાં બે સંતાનો છે, જેમાં મોટી દીકરી 6 વર્ષની અને નાનો દીકરો 3 વર્ષનો છે.
મોડાસા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી મહિલા ASI રીટા ચૌધરીની ગતરોજ સવારે સરકારી ક્વાર્ટર્સમાંથી લટકતી હાલતમાં લાશ મળી આવી. મહિલાનો પતિ દિલીપ ચૌધરી ઘટના સમયે રૂમમાં હાજર નહોતો. જ્યારે એ પોતાની રૂમ પર આવ્યો ત્યારે, તેની પત્ની રીટા ચૌધરીનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ક્યા કારણોસર મહિલાએ આત્મહત્યા કરી એ બાબતે કોઈ વિગત જાણી શકાઈ નથી.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, ગત સાંજે રીટા ચૌધરી અને તેનો પતિ દિલીપ ચૌધરી બંને સાથે ખરીદી માટે ગયા હતા. ત્યાર બાદ બંને પરિવાર સાથે બહાર પ્રસંગમાં પણ ગયા હતા. પ્રસંગ માટે મહિલાએ મેકઅપ અને કોસ્મેટિકનો સમાન પણ ખરીદ્યો હતો. પ્રસંગમાં જઈને આવ્યા બાદ મોટી દીકરીને વેકેશન હોવાથી તેને મહિલાના પિયર ગાંધીનગર જિલ્લાના છાલા ખાતે મામાના ઘરે મૂકી હતી. જ્યારે રીટા ચૌધરીનો પતિ દિલીપ ચૌધરી અને તેમનો નાનો દીકરો બંને તેમના મૂળ વતન મોડાસાના મેઢાસણ ગામે ગયા હતા. રીટાબેનને સવારે નોકરી જવાનું હોવાથી એ એકલા ક્વાર્ટર્સમાં રોકાયા હતા.
સવારે તેમના પતિ દિલીપભાઈએ રીટાબેનને કોલ કર્યો પણ તેમણે ફોન ના ઉપાડ્યો, એટલે જિલીપભાઈએ પાડોશમાં ફોન કરીને રીટાબેનને જગાડવા જણાવ્યું હતું. જેથી બાજુવાળાએ તપાસ કરતાં ખબર પડી કે રીટાબેનનો મૃતદેહ તો બેડ અને પંખા વચ્ચે દુપટ્ટા સાથે લટકેલી હાલતમાં પડ્યો છે. જેથી પરિવારજનો અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
અચાનક એવું શું બન્યું કે, સવારે રીટા ચૌધરીનો લટકતો મૃતદેહ મળી આવ્યો, આત્મહત્યાનું કારણ શું છે, એવા અનેક સવાલો ઉભા થાય એમ છે. હાલ તો પોલીસે ASI રીટા ચૌધરીના મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર કેસની તપાસ હેડ ક્વાર્ટર્સ ડીવાયએસપી આર ડી ડાભીને સોંપી છે.