અમદાવાદમાં તથ્ય પટેલે પોતાની કાર બેફામ સ્પીડે ચલાવી બે પોલીસમેન સહિત 9 લોકોની જિંદગીનો અંત આણી દીધાની ઘટના તાજી જ છે ત્યાં ગઇકાલે બપોરના સમયે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટરમાંથી પૂરપાટ ઝડપે નીકળેલી કારે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવા ચાલક યુવક, તેની પત્ની અને પુત્ર ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેમાં એક્ટિવા ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીને કાર્યક્રમને લઇ નજીકમાં જ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત હોવા છતાં કાળા કાચવાળી કારનો ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.
કાળા કાચવાળી કાર બેફામ સ્પીડમાં ધસી આવી
અકસ્માતનો ભોગ બનેલા આશીયાનાબેન પઠાણે જણાવ્યું હતું કે, તેઓ હસનવાડી મેઇન રોડ પર રહે છે. ગઈકાલે બપોરના સમયે તેમના પતિ ઇમરાનભાઇ ઇકબાલભાઇ પઠાણ (ઉ.વ.40) અને પુત્ર અરહાન (ઉ.વ.7) એક્ટિવા પર રેસકોર્સ રિંગ રોડથી રૂડા ઓફિસ તરફ માર્ગ પર જઇ રહ્યા હતા ત્યારે પોલીસ હેડ ક્વાર્ટરના ગેટ પાસે પહોંચતાની સાથે જ હેડ ક્વાર્ટરના ગેટમાંથી ગ્રે કલરની કાળા કાચવાળી કાર બેફામ સ્પીડમાં ધસી આવી હતી અને તેને અમને ઠોકર મારતા અમે નીચે પટકાયા હતા જેમાં મને અને મારા દીકરાને સામાન્ય ઇજા પહોંચી છે પરંતુ મારા પતિને માથાના ભાગે હેમરેજ થઇ ગયું છે.
પોલીસ આને પકડી સજા કરે તેવી અમારી માંગ છે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, હેડ ક્વાર્ટરમાંથી નીકળેલી કારે જ અકસ્માત સર્જ્યો છે અને તે જોયા વગર ત્યાંથી તુરંત નાસી છૂટ્યો છે. આમાં પ્રજાની સુરક્ષાનું શું તે સવાલ અમને થાય છે. અમારી માંગ છે કે, પોલીસ તાત્કાલિક આને પકડે અને સજા કરે કારણ કે, અમે તો માંડ-માંડ બચ્યા છીએ પણ બીજા લોકો સાથે આવું ન બને તે માટે પોલીસ આને પકડી સજા કરે તેવી અમારી માંગ છે. અમને ટક્કર મારી તે નાસી ગયો હતો. અમને હોસ્પિટલ પણ પોલીસ લઇ ગયા હતા, પોલીસની સરકારી કારમાં અમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની કામગીરી અંગે પણ પ્રશ્નો થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની જાહેરસભા રેસકોર્સમાં હોવાથી અહીં નજીકમાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત હતો તેમછતાં કોઈ કશું સમજે? તે પહેલા કારચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. જો કે, હાલમાં અમદાવાદ ખાતે બનેલા તથ્યકાંડ બાદ પોલીસ વધુ સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જ પૂરઝડપે કાર હંકારનાર નાસી જતાં પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલ, પ્રદ્યુમનનગર પોલીસે અકસ્માત અંગે ઈજાગ્રસ્ત આશિયાનાબેન પઠાણની ફરિયાદ પરથી અજાણ્યા કારચાલક સામે આઇપીસી કલમ 279, 337,338 તેમજ એમ.વી. એક્ટ કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.