મધ્યપ્રદેશના પાટીદાર સમાજ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવશે
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 20 કિલોમીટર દુર રાજા ભોજ એરપોર્ટ રોડ પર આવેલા સિહોર જિલ્લાના ઝરખેડા ગામે મધ્યપ્રદેશના લેઉવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી મા ખોડિયારના મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. ગુજરાત સ્થિત શ્રી ખોડલધામ મંદરમાંથી પ્રેરણા લઈ ઝરખેડા ગામમાં મા ખોડિયારનું મંદિર બનાવવામાં આવશે. ગત તારીખ 14 જૂન ને બુધવારના રોજ આ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે હાજરી આપી હતી અને શ્રી નરેશભાઈ પટેલના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મંદિર બે વર્ષમાં બનીને તૈયાર થઈ જશે.
મધ્યપ્રદેશમાં કુલ 32 ગામોમાં વસતા લેઉવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક ચેતના કેન્દ્રના રૂપમાં કુળદેવી મા ખોડિયારનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે નિર્માણ પામેલા શ્રી ખોડલધામ મંદિરમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી રહ્યું છે. ઝરખેડામાં બની રહેલા મંદિર નિર્માણમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનું જરૂરી માર્ગદર્શન મળી રહ્યું છે. 14 જૂનના રોજ શ્રી નરેશભાઈ પટેલના હસ્તે જ આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
સાથે જ સામાજિક ચિંતન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં શ્રી નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં કરવામાં આવતી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ તકે મધ્યપ્રદેશના લેઉવા પાટીદાર સમાજ દ્વારા શ્રી નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
(મધ્યપ્રદેશ)