કર્ણાટકના રાયચુરમાં અકસ્માતનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં પુરપાટ ઝડપે જઈ રહેલી એક જગુઆર કારે ચાર લોકોને ટક્કર મારી હતી. જેમાં એક બાઇક સવારઅ 3 વિદ્યાર્થિનીઓને ઉડાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, એક વિદ્યાર્થિની ટક્કરથી 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. જ્યારે બીજી યુવતી રસ્તાની સાઈડમાં પટકાઈ હતી. રાહતની વાત એ છે કે તમામને નાની-મોટી ઈજાઓ થઈ છે.
આ ઘટના 18 જુલાઈના રોજ બની હતી, પરંતુ હવે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માત નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થયા હતા.
બાઇક સવાર દ્વારા અચાનક યુ-ટર્ન લેવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાયચુરમાં શ્રીરામ મંદિર પાસે એક બાઇક સવારે અચાનક યુ-ટર્ન લીધો હતો. પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કારે પહેલા બાઇકને ટક્કર મારી, પછી રસ્તાની સાઈડમાં ચાલી રહેલી 3 વિદ્યાર્થિનીઓને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ કાર ચાલક ઈજાગ્રસ્તોને મદદ કરવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને બાઇક ચાલકને ઇજા પહોંચી હતી.
કાર ચાલક અને બાઇક સવારનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે
કાર અને બાઇક જપ્ત કરવામાં આવી છે. કર્ણાટકના ટ્રાફિક અને રોડ સેફ્ટીના એડિશનલ ડાયરેક્ટર જનરલ આલોક કુમારે જણાવ્યું કે કાર ચાલક અને બાઇક સવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંનેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે.
મે મહિનામાં દિલ્હીના કનોટ પ્લેસ પાસે એક કારે બે બાઇક સવારોને ટક્કર મારી હતી. જેમાંથી બાઇક ચાલક કારની છત પર પડી ગયો હતો, પરંતુ કારના ચાલકે 3 કિમી સુધી કારને રોકી નહોતી. તેને દિલ્હી ગેટ પાસે ફેંકીને ચાલક ભાગી ગયો હતો. આ અકસ્માતમાં દીપાંશુ વર્મા (30)નું મોત થયું હતું.