News Updates
INTERNATIONAL

ચીન દક્ષિણ ચીન સાગરમાં એરસ્ટ્રીપ બનાવી રહ્યું છે:ચીને કહ્યું- મનમરજીથી નિર્ણય લેશે; તાઈવાન-વિયેતનામ પણ આ વિસ્તાર પર દાવો કરે છે

Spread the love

ચીન દક્ષિણ ચીન સાગરમાં એરસ્ટ્રીપ બનાવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એપીએ 2 સેટેલાઇટ ફોટોના આધારે આ દાવો કર્યો છે. આ એરસ્ટ્રીપ વિવાદિત ટ્રાયટન આઇલેન્ડ પર બનાવવામાં આવી રહી છે, જે લગભગ 2 હજાર ફૂટ લાંબી છે. આના પર ડ્રોન અને ટર્બોપ્રોપ એરક્રાફ્ટ સરળતાથી લેન્ડ કરી શકશે. જો કે, આ રનવેની લંબાઈ ફાઈટર જેટ માટે પૂરતી નથી.

પ્લેનેટ લેબ્સ પાસેથી મળેલી સેટેલાઇટ તસવીરો અનુસાર, આ બાંધકામ થોડા અઠવાડિયા પહેલા શરૂ થયું છે. એરસ્ટ્રીપ હજુ પણ નિર્માણાધીન છે અને તે કયા હેતુ માટે બનાવવામાં આવી રહી છે તે હજુ સ્પષ્ટ નથી. વર્ષોથી, ટ્રાયટન ટાપુ પર બે રેડોમ, એક નાનું હેલિપેડ, બંદર, એક નિરીક્ષણ સ્ટેશન અને કેટલાક ચાઇનીઝ અને કમ્યુનિસ્ટ પાર્ટીના ધ્વજ લગાવાયેલ છે.

ચીને કહ્યું- ગ્લોબલ નેવિગેશન સલામતી વધુ સારી રહેશે
ચીને ટાપુ પર ચાલી રહેલા કામ સાથે જોડાયેલી માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો હતો. ચીને કહ્યું છે કે તે એક સાર્વભૌમ દેશ છે અને પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. એપી અનુસાર, ડ્રેગને કહ્યું કે આ બાંધકામ ગ્લોબલ નેવિગેશન સલામતી સુધારવા માટે કરવામાં આવી રહ્યું છે.

ચીને એ તમામ આરોપોને પણ ફગાવી દીધા હતા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચીન મહત્વપૂર્ણ જળમાર્ગનું લશ્કરીકરણ કરી રહ્યું છે. આ માર્ગ દ્વારા દર વર્ષે લગભગ 415 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે.

આઇલેન્ડ પર ટાયરના નિશાન જોવા મળે છે, સિમેન્ટ પ્લાન્ટ પણ છે
એપી અનુસાર, ટાયરના નિશાન, બાંધકામ સામગ્રી અને કન્ટેનરનો મોટો જથ્થો ટાપુ પર જોવા મળ્યો છે. સેટેલાઇટ ચિત્રોમાં કાર્યક્ષેત્ર પણ દેખાઈ રહ્યું છે, જ્યાં સિમેન્ટ પ્લાન્ટ છે. અહેવાલો અનુસાર, આ બધી વસ્તુઓ છેલ્લા એક મહિનામાં ત્યાં પહોંચી છે.

એજન્સીએ કહ્યું કે ટ્રાયટન આઇલેન્ડ સ્પ્રેટલી ગ્રૂપમાં માનવ નિર્મિત ટાપુને પ્રતિબિંબિત કરે છે, જ્યાં એરસ્ટ્રીપ્સ, ડોક્સ અને લશ્કરી સિસ્ટમ્સ હાજર છે. ચીને 1974માં નૌકાદળના સંઘર્ષ દરમિયાન પાર્સેલ ટાપુઓ પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. જો કે, વિયેતનામ અને તાઈવાન પણ તેના પર પોતાનો હક જમાવી રહ્યા છે.

દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી નવી નથી
દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે આ પ્રકારનો મુકાબલો પહેલા પણ ઘણી વખત થઈ ચૂક્યો છે. ફિલિપાઈન્સે કહ્યું હતું કે ચીને તેમના જહાજને લેસર લાઈટ વડે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી ફિલિપાઈન્સના જહાજ પર સવાર ક્રૂને દેખાવાનું બેધ થઈ ગયું હતું.

ફિલિપાઈન્સે કહ્યું હતું કે ચીને ઈરાદાપૂર્વક આવું કર્યું છે, જે દક્ષિણ ચીન સાગરમાં તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. ચીનના એક રેડિયો ઓપરેટરે દક્ષિણ ચીન સાગરના વિવાદિત ભાગમાં કાર્યરત ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના વિમાનને ધમકી આપી હતી. અહેવાલો અનુસાર, રેડિયો ઓપરેટરે 3500 ફૂટ નીચે કોસ્ટ ગાર્ડના જહાજમાંથી જાહેરાત કરતા કહ્યું- અહીંથી તરત જ નીકળી જાઓ.

ખરેખર, ફિલિપાઈન્સના આ વિમાનમાં દુનિયાભરના પત્રકારો હતા. જેમને દક્ષિણ ચીન સાગરનો વિવાદિત વિસ્તાર બતાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. પ્લેન સ્પ્રેટલી વિસ્તારમાં ઉડી રહ્યું હતું ત્યારે તેને છોડવાની ધમકી આપવામાં આવી હતી.

શું છે દક્ષિણ ચીન સાગર વિવાદ

  • દક્ષિણ ચીન સાગરનો લગભગ 35 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર વિવાદિત છે.
  • ચીન, ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈ દ્વારા તેનો દાવો કરવામાં આવ્યો છે.
  • દક્ષિણ ચીન સાગરમાં તેલ અને ગેસનો મોટો ભંડાર છે.
  • યુએસ અનુસાર, આ વિસ્તારમાં 213 અબજ બેરલ તેલ અને 900 ટ્રિલિયન ક્યુબિક ફૂટ કુદરતી ગેસનો ભંડાર છે.
  • વિયેતનામે ભારતને આ ક્ષેત્રમાં તેલ શોધવાના પ્રયાસોમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
  • દર વર્ષે આ દરિયાઈ માર્ગ દ્વારા 7 ટ્રિલિયન ડોલરનો બિઝનેસ થાય છે.
  • 2013 ના અંતમાં ચીને પાણીની અંદરના રીફ વિસ્તારને આર્ટીફિશિયલ આઈલેન્ડમાં રૂપાંતરિત કરવા માટે એક મોટો પ્રોજેક્ટ ચલાવ્યો હતો.
  • અમેરિકા અને ચીન એકબીજા પર આ ક્ષેત્રના લશ્કરીકરણનો આરોપ લગાવી રહ્યા છે.

Spread the love

Related posts

અમેરિકા સામે ચીનની ચાલ:એક નિર્ણયથી સુપર પાવરની ચિંતા વધી, ભારત સહિત આખી દુનિયા પર થશે અસર

Team News Updates

ભૂખ-તરસથી બાળકો તડપે છે, અમેરિકા પાંચ મહિના ચાલે એટલો દારૂગોળો ઇઝરાયલને આપશે

Team News Updates

સેના જ ચલાવશે પાકિસ્તાનની રાજનીતિ: PM અનવારુલ હક કાકરે

Team News Updates