કોરોનાથી સાજા થયેલા 45 ટકા લોકોમાં હૃદય, શ્વાસ, ફેફસાં સંબંધિત બીમારી વધી; લાંબા ગાળે મૃત્યુદર વધવાની શક્યતા

0
143
  • એપોલોમાં કોરોનાથી સાજા થયેલા હજારમાંથી 450માં સ્ટ્રોક-ડાયાબિટીસ અને ફેફસાં, હૃદયની તકલીફો થઈ
  • એપોલોએ અમદાવાદ સહિત વિવિધ શહેરમાં પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કર્યાં
  • કોવિડથી સાજા થયેલા લોકોમાં બિનચેપી રોગનું વધતું પ્રમાણ ચિંતાજનક

કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓને અન્ય બીમારી થઈ હોવાના કિસ્સા બહાર આવ્યા છે. અનિયંત્રિત ડાયાબિટીસ, સ્ટ્રોકની બીમારી તેમજ ફેફસાં, હૃદયની તકલીફો વધી હોવાનું જાણવા મળ્યું છે. એપોલો હોસ્પિટલમાં સ્વસ્થ થયેલા એક હજાર દર્દીમાંથી 450 દર્દી, એટલે કે 45 ટકા લોકોમાં બીમારીઓ વધી છે. આવા દર્દીઓને સ્પેશિયલાઇઝ સારવાર આપવા એપોલો હોસ્પિટલે અમદાવાદ સહિત દેશનાં વિવિધ શહેરોમાં પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કર્યાં છે. એપોલોના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. કરન ઠાકુરે કહ્યું હતું કે કોવિડ પહેલાં બિનચેપી રોગથી 70 ટકાથી વધુનાં મૃત્યુ થતાં હતાં, પરંતુ હવે કોવિડથી સ્વસ્થ થયેલા લોકોમાં આ પ્રમાણ વધતાં લાંબા ગાળે મૃત્યુદર વધી શકે છે.

હૃદયની ક્ષમતા 20% થઈ ગઈ, 1 મહિના બાદ છાતીમાં દુખાવો
એક 55 વર્ષીય મહિલા દર્દીને હિંમતનગરથી એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, પણ 17 દિવસમાં કોરોનાથી સ્વસ્થ થયાના 1 મહિના બાદ છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ સાથે આઇસીયુમાં દાખલ કરાયાં હતાં, જયાં તપાસમાં હૃદયના સ્નાયુ નબળા પડી જતાં હૃદય 20 ટકા કામ કરતું હોવાનું નિદાન થયું હતું.

કિડનીની નસમાં બ્લોકેજ, પંદર દિવસ પછી પેટમાં દુખાવો થતો હતો
એક 35 વર્ષીય પુરુષ દર્દી 14 દિવસ બાદ કોરોનામાંથી રિકવર થયા હતા, પરંતુ 15 દિવસમાં પેટમાં દુખતાં સોનોગ્રાફી કરાવી. એ પણ નોર્મલ આવી, પરંતુ દુખાવો વધતો ગયો, તેથી પેટનો સીટી એન્જિયોગ્રામ કરાવ્યો, જેમાં કિડની આર્ટરીમાં લોહી જામ્યાનું નિદાન થયું. છેવટે કેથેટર ગાઇડેડ થ્રોમ્બોસીસથી જામેલું લોહી દૂર કરાયું.

ફેફસાંની સમસ્યા, રજા આપ્યાનાં 2 અઠવાડિયાં બાદ શ્વાસમાં તકલીફ
38 વર્ષીય પુરુષ દર્દીને કોવિડનાં સામાન્ય લક્ષણોમાં ઓક્સિજનની જરૂર ઊભી થઈ અને 14 દિવસની સારવાર પછી સ્વસ્થ થયા. જોકે ઘરે આવ્યાનાં બે અઠવાડિયાંમાં ફરી શ્વાસની તકલીફ થઈ અને આઈસીયુમાં દાખલ કરાયા. તેમને ફેફસાંમાં ગંભીર ફાયબ્રોસિસ થતાં ઓક્સિજન, ફેફસાંની કસરત કરાવાતાં સાજા થયા હતા.

મગજની નસમાં બ્લોકેજ, ડાબી બાજુ અડધું શરીર નબળું
એક 45 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ વૉર્ડમાંથી રજા આપ્યાના 6 જ દિવસમાં ડાબી બાજુના શરીરમાં નબળાઇ આવી, જેથી આઇસીયુમાં દાખલ કરીને એમઆરઆઇ કરતાં જમણા મગજમાં બ્લોકેજને લીધે સ્ટ્રોક નિદાન થયો. છેવટે ન્યુરોફિઝિશિયને તેમના મગજની નસમાંથી લોહીનો ગઠ્ઠો દૂર કર્યો અને 14 દિવસ પછી તેઓ સાજા થયા.

અનિયંત્રિત ડાયાબિટીસ, ફરીથી ફેફસાંની ક્ષમતા વધારવા ટ્રીટમેન્ટ
આધેડ વયનાં એક મહિલા દર્દી કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં લવાયાં હતાં, તેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી કો-મોર્બિડ સ્થિતિને લીધે સારવારથી સ્વસ્થ થતાં તેમને રૂમમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ તેમનો ડાયાબિટીસ અનિયંત્રિત થતાં લાંબો સમય સુધી ઓપીડીમાં સારવાર અને ફેફસાંની ક્ષમતા વધારવા લંગ રિહેબ ટ્રીટમેન્ટ અપાઇ હતી.

માનસિક શારીરિક થાક, ડિપ્રેશન, ચિંતા અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ
કોરોનાનાં ગંભીર લક્ષણો ધરાવતા 10થી વધુ દર્દી કે જેમને આઇસીયુ અને વેન્ટિલેટરની જરૂર પડી હોય, તે રિકવર થયા બાદ લાંબા ગાળે ડિપ્રેશન, ચિંતા અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમનો ભોગ બને છે, જેથી દર્દીને ન્યુરોફિઝિશિયન અને સાઈકિયાટ્રિસ્ટની સારવારની જરૂર પડે છે.

કોવિડ ટીમના સભ્ય ડો. તેજસ પટેલે કહ્યું- કોરોના થયા બાદ રિકવર થઇને ઘરે આવ્યા બાદ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું ન જોઇએ. આ બિલકુલ નવો રોગ છે, જેથી રિકવર થયેલા લોકોએ માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે, કારણ કે કોરોનામાંથી સાજા થયેલા કેટલાક દર્દીમાં કોરોના થયા પછીના કોમ્પિલેકેશનથી ફેફસાંમાં ફાયબ્રોસિસ, હૃદયની તકલીફ વગેરે જોવા મળે છે, જેમાં કેટલાકને કાયમી શારીરિક નુકસાન થાય છે. તેથી કોરોનામાંથી રિકવર થવા છતાં નિયમિત મેડિકલ તપાસ કરાવવી જોઇએ.

સ્પેશિયલાઈઝ કેર સાથે જોડાશે
ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. જય કોઠારી અને ડો. પંકજ દુબેના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી સ્વસ્થ 45 ટકા દર્દીમાં શ્વાસ, હૃદય-ફેફસાંની તકલીફ સાથે છાતી-સાંધાનો દુખાવો, હાયપરટેન્શન જેવી તકલીફો શરૂ થઈ છે. આવા લોકો માટે એપોલો હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કરાયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here