ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 મૃતક તો એક જ ગામના છે. ત્યારે આજે એમ્બ્યુલન્સ મારફત મૃતદેહોને વતનમાં લાવવામાં આવ્યા હતા. જ્યા અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. જ્યારે દિહોરમાં એકસાથે 10 ચિતાઓ સળગતા કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ સર્જાય છે.
દિહોર ગામમાં શોકનો માહોલ છવાયો
અકસ્માતમાં અવસાન પામેલા યાત્રીઓના મૃતદેહને આજે વતનમાં લાવવામાં આવ્યા છે. આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોનાં મોત થયાં છે. ભાવનગર શહેરની એક મહિલા અને દિહોરના અન્ય મૃતક યાત્રીઓની વતનમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે. હાલ તો સમગ્ર દિહોર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા
એમ્બ્યુલન્સ મારફતે 12 મૃતદેહને માદરે વતન દિહોર ખાતે સરકારી શાળામાં લવાયા છે. તમામ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ પાઠવવા હિન્દૂ- મુસ્લિમ સમાજના 10 હજારથી વધુ લોકો એકત્રિત થયા છે. મોટી સંખ્યામાં પરિવારજનો અને મહિલાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. શ્રદ્ધાંજલિ બાદ તમામ મૃતકોની અંતિમયાત્રાની ક્રિયા કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ માતા- પિતાની છત્રછાયા ગુમાવી છે.
ભાવેણું હિબકે ચડ્યું
એકસાથે 10 ચિતાઓ સળગતા ભાવેણું હિબકે ચડ્યું હતું. કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ સર્જાય હતી. પરિવારજનોનું હૈયું હચમચાવી દેતું આક્રંદ જોવા મળ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. હાલ તો દિહોર ગામમાં શોકનો માહલો છવાયો છે. ગામમાં ક્યાંય ચૂલો પણ સળગ્યો નથી. તેમજ મહિલાઓએ છાજિયાં લેતા વાતાવરણમાં આક્રંદ છવાયું હતું.
તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવ્યું કે, જ્યારથી આ ઘટનાના સમાચાર મળ્યા છે ત્યારથી અમે સતત સંપર્કમાં હતા. વહેલી તકે ઈજાગ્રસ્તોને સારવાર મળે, તેમજ મૃતદેહો વહેલી તકે વતનમાં પહોંચે તે માટે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ ત્યાંથી જ સૂચનાઓ આપી હતી. બને એટલી ઝડપી સહાય મળે તેવા પ્રયાસો કરાયા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ બાબત છે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તેમનાં પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ મળે.
દિહોર ગામથી મથુરા સુધી 12 દિવસની યાત્રાએ ગયા હતા
આ દુઃખદ ઘટના અંગે હકીકત એવા પ્રકારે છે કે તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા અને ખેતી તથા મજૂરીકામ સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ ગામમાં આવેલા બજરંગદાસબાપાની મઢુલી-આશ્રમમાં મંડળ ચલાવે છે, આ મંડળના સભ્યોએ દિહોર ગામેથી જ મથુરા સુધી 12 દિવસ યાત્રાનું આયોજન કર્યું હતું અને ગત તા.9 સપ્ટેમ્બરે રાત્રે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે કરી નીકળ્યા હતા, જેમાં ગુજરાત બોર્ડર પાર કરી રાજસ્થાનમાં નાથદ્વારા સહિત પુષ્કર સહિતનાં ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજન કરી ગત મોડી રાત્રે રાજસ્થાનથી આગળની યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.
કેવી રીતે સર્જાયો અકસ્માત.
રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર ગઈકાલે સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. જેથી ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારીને નજીકમાં ઊભેલા લોકોને કચડ્યા હતા. જે અકસ્માતમાં 12 લોકોનાં મોત થયાં છે. જેમાં 10 મૃતકો દિહોર ગામના છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસની પાછળની સાઈડનો ભાગ ટોટલ લોસ થઈ ગયો હતો.
હાઈવે યાત્રાળુઓની મરણચીસોથી ગુંજી ઊઠ્યો
આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે ગઈકાલે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 7 મહિલાઓ અને 5 પુરુષો હતાં. અકસ્માત બાદ મૃતદેહો હાઈ-વે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પણ જામ થઈ ગયો હતો. અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત લોકોને પડેલા જોતાં પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ અકસ્માતમાં 12 વ્યક્તિઓનાં મોત થયાં હતાં, અકસ્માતને પગલે સુમસામ હાઈવે યાત્રાળુઓની મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 11થી વધુ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શું કહ્યું મામલતદારે?
તળાજા મામલતદાર આર.આર.ગોહિલે જણાવ્યું હતું કે, 9 તારીખના રોજ રાત્રે તળાજા તાલુકાના દિહોર ગામના બજરંગદાસ બાપા આશ્રમ સેવા સમુદાયને લઈને મથુરા જવા બસ નીકળી હતી. બસમાં ટેકનીકલ ખામી સર્જાતા બસ ભરતપુર નજીક ઉભી રહી હતી, ત્યારે પાછળથી ટ્રેઈલર મારફરે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ 12 લોકોના મોત થયા છે. તંત્ર દ્વારા ત્યાના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહીને ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
દિહોર ગામથી બસ યાત્રાએ જવા રવાના થઈ હતી
દિહોર ગામના બારૈયા ભદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, 12 દિવસની યાત્રાનું આયોજન કર્યું હતું. 9 સપ્ટેમ્બરે બસ અહિંથી પ્રસ્થાન પામી હતી. ત્યારે ગઈકાલે સવારે અમને જાણ થઈ કે આ બસનો અકસ્માત થયો છે. જેમાં અમને માહિતી મળી છે 12ના મોત થયા છે.
CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોનાં પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતની ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ રાજસ્થાનમાં થયેલા માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઈજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.
ધારાસભ્ય જિતુ વાઘાણીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાન નજીક ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના યાત્રાળુઓના મોતના સમાચાર પ્રાપ્ત થતા પૂર્વ શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જિતુ વાઘાણીએ દુઃખની લાગણી અનુભવી હતી. અકસ્માત સંદર્ભે અને મૃતકોના પાર્થિવ દેવ તેમના વતન સુધી ઝડપથી પહોંચે તેમજ ઘાયલોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે જિતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત જિતુભાઇ વાઘાણીએ મૃતકોના આત્માને શાંતિ પ્રદાન થાય અને ઘાયલો ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે.
મોરારિબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભાવનગરથી મથુરા યાત્રાએ જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો, તે કરુણ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયાં છે. આ ભયંકર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા 1,80,000 ( એક લાખ એંસી હજાર )ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલાની યાદી
- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
- નંદરામભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
- લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
- ભરતભાઈ ભીખાભાઈ
- લાલજીભાઈ મનજીભાઈ
- અંબાબેન જીણાભાઈ
- કંબુબેન પોપટભાઈ
- રામુબેન ઉદાભાઈ
- મધુબેન અરવિંદભાઈ દાગી
- અંજુબેન થાપાભાઈ
- મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
- કલુબેન ઘોયલ