સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં ફરજ બજાવતા ડો. હર્ષિલ શાહ
- પ્રોન થેરાપી થકી દર્દીઓના ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવામાં નિભાવી અગત્યની ભૂમિકા
કોરોના વાયરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્ર અસર કરે છે. સંક્રમિતોમાં ઓક્સિજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે નિષ્ણાત તબીબો દ્વારા પ્રોન થેરાપી શરૂ કરવામાં આવી હતી. જેના થકી આજે કોરોના સંક્રમિત ઘણા દર્દીઓને રાહત મળી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ બન્નેમાં સમયાંતરે ડો.હર્ષિલ શાહે હૃદયરોગ, પેરેલિસિસ, પાર્કિસન્સ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા 250થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત બનાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.
ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓને કોરોના થાય ત્યારે તે વધુ ભયભીત થઈ જાય છે
મેડીસીન વિભાગમાં કાર્યરત ડો.હર્ષિલ શાહ પોતાની કામગીરી વિશે જણાવ્યું હતું કે, હું લોકડાઉનથી આજ દિન સુધી કાર્ય કરી રહ્યો છું, સમયાંતરે મને સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં ડ્યૂટી સોંપવામાં આવે છે, જ્યારે પાર્કિસન્સ, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓને કોરોના થાય ત્યારે તે વધુ ભયભીત થઈ જાય છે, માટે અમે તેમના ગંભીર રોગને અનુલક્ષીને યોગ્ય દવા આપી પહેલા તો તેને નિયંત્રણમાં લાવીએ છીએ. અહીં નકારાત્મકતા સાથે આવતા દર્દીઓને અમે સારવારની સાથે કાઉન્સેલિંગ કરી તેઓ ઝડપથી સાજા થાય તે માટેના તમામ પ્રયાસો કરીએ છીએ.
છેલ્લાં પાંચ દિવસમાં 100 જેટલા દર્દીઓને રજા આપી શક્યા છીએ-ડો. હર્ષિલ
વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને વધારે ઓક્સિજન આપવાની જરૂરિયાત હતી. તેવા દર્દીઓને પ્રોન થેરાપીથી સારવાર આપવાથી આશરે છેલ્લાં પાંચ દિવસમાં 100 જેટલા દર્દીઓને રજા આપી શક્યા છીએ. અને માસ પ્રોનિંગ થેરાપી આપવાથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપભેર સુધારો થઈ રહ્યો છે. દર્દીઓ સીધા સુવાની જગ્યાએ બેઠા રહે, પડખાભેર સુવે, ઉંધા સુવે તો દર્દીઓના જે ફેફસા જ ઝકડાય ગયા છે તે ઝડપથી ખૂલી જાય છે. મને દર્દીઓની આ પ્રકારે સેવા કરવાથી મારૂ જીવન સાર્થક થયાની અનુભૂતિ થાય છે. મારા થકી જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના મુક્ત થાય તો, એક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો મને આત્મસંતોષ મળે છે. મહત્વનું છે કે ડો. હર્ષિલે 250થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત બનાવવામાં અને પ્રોન થેરાપી થકી દર્દીઓના ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.