દિવાળીનો તહેવાર નજીક આવતા આજથી રાજકોટ ST રોજ 15 એક્સ્ટ્રા બસ દોડાવશે, ગોધરા માટે એડવાન્સ બુકીંગ

0
71
  • મર્યાદિત સંખ્યા અનુસાર મુસાફરો માસ્ક સાથે બેસાડવામા આવશે

દિવાળીનો તહેવાર નજીક આવતા જ તહેવારો મનાવવા પોતાના વતન જતા શ્રમિકોનો એસ.ટી બસમાં સારો એવો ટ્રાફિક જોવા મળે છે. શ્રમિકોના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અને અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર યાત્રિકોને જવા માટે રાજકોટ એસ.ટી ડિવિઝન આજથી રોજ 15 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં એસ.ટી બસમાં થતા ભારે ટ્રાફિકને પહોંચી વળવા 100થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે.

મુસાફરોના ટ્રાફિક અનુસાર એક્સ્ટ્રા બસો દોડશે
આજથી ઢેબર રોડ બસ પોર્ટ અને શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ બન્ને જગ્યા થઈ ને જે તે દિશાના મુસાફરોના ટ્રાફિક અનુસાર એક્સ્ટ્રા બસો દિવાળી તહેવાર ધ્યાનમાં રાખીને આજથી દોડશે. રાજકોટ ડેપોની 8 અને અન્ય ડેપો જે રાજકોટથી એકસ્ટ્રા કરશે તેવા અન્ય 7 વાહનો સહિત દરરોજ 15 એકસ્ટ્રા બસોનુ આયોજન રાજકોટ વિભાગીય કચેરીના આદેશ અનુસાર કરવામાં આવ્યું છે.

પંચમહાલ-ગોધરા માટે ખાસ એડવાન્સ બુકીંગ
એક્સ્ટ્રા વાહનો પૈકી પંચમહાલના વાહનો એડવાન્સ બુકિંગમાં પણ મળી રહેશે કે જેથી જગ્યા મળી રહે. આ આયોજન માટે બંને જગ્યાના સુપરવાઇઝરો સવારે 10થી રાત્રે 9 સુધી સતત હાજર રહેશે. જેથી મુસાફરોને મદદરૂપ થઈ શકે. મર્યાદિત સંખ્યા અનુસાર મુસાફરો માસ્ક સાથે બેસાડવામાં આવશે તેવી સૂચના પણ જાહેર કરવામાં આવી છે.

સિટી બસમાં પાસ લેનાર તમામને 50% ડિસ્કાઉન્ટ, દિવાળી બાદ અમલ
સિટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં અત્યાર સુધી વિદ્યાર્થીઓ અને વિકલાંગ હોય તેમને જ ડિસ્કાઉન્ટ પાસ આપવામાં આવતા હતા, પરંતુ આગામી દિવસોમાં તમામ મુસાફરોને ડિસ્કાઉન્ટ પાસ આપવામાં આવશે. આ માટે મનપા એક માસ, ત્રણ માસ, છ માસ અને વાર્ષિક પાસ યોજના જાહેર કરશે. આગામી એક પખવાડિયામાં પાસ યોજનાની જાહેરાત કરવામાં આવશે. પાસ ખરીદી કરનાર મુસાફરને સિટી બસ અને બીઆરટીએસ બસ બન્નેમાં મુસાફરીનો લાભ મળશે. રાજકોટ મહાનગરપાલિકાની રાજપથ લિ. કંપની સિટી બસ અને બીઆરટીએસ બસનું સંચાલન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here