News Updates
RAJKOT

રાજકોટ સિવિલમાં LR મશીન 8 મહિનાથી બંધ:થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓનું બ્લડ મેન્યુઅલી ફિલ્ટર થાય છે, ઇન્સ્પેક્શન રિપોર્ટ બાદ મશીન શરૂ થવાનો દાવો

Spread the love

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક દાતાએ આપેલું અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે જીવાદોરી સમાન LR મશીન 8 મહિનાથી બંધ હોવાનું સામે આવ્યું છે. મશીન બંધ હોવાને કારણે દર્દીઓના બ્લડને મેન્યુઅલી ફિલ્ટર કરવું પડી રહ્યું છે. અને થેલેસેમિયાના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે ગાંધીનગરના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવી ચૂક્યું છે. અને 15 દિવસમાં તેનો રિપોર્ટ આવ્યા બાદ મશીનનો ઉપયોગ શરૂ કરવામાં આવનાર હોવાનો બચાવ સિવિલ અધિક્ષકે કર્યો છે. ત્યારે આ બધા વચ્ચે LR મશીન ક્યારે શરૂ થાય છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

40 લાખની કિંમતનું LR મશીન ધૂળ ખાઇ રહ્યું છે
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક દાતાની ઉદારતાથી અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતનું LR મશીન મહિનાઓ પહેલા આવી ચૂક્યું છે. જોકે આ મશીનની સેવાને શરૂ કરવા સિવિલ હોસ્પિટલને જાણે કે કોઇ શુભ ચોઘડીયું મળતું ન હોય તેમ લાગી રહ્યું છે. આ મશીન છેલ્લા 8 મહિનાથી શોભાના ગાંઠીયાની જેમ બંધ પડયું છે. LR મશીન દ્વારા મળનારી પૂરતી સુવિધા શરૂ થવાના અભાવે હાલમાં થેલેસેમીયાના દર્દીઓને રીએકશન જેવી સમસ્યાનો ભોગ બનવું પડતું હોવાનું આવા દર્દીઓના વાલીઓ જણાવી રહ્યા છે. આમ છતાં સંબંધિત સત્તાધિશોએ તમામ દોષનો ટોપલો ગાંધીનગર સ્થિત આરોગ્ય તંત્ર પર ઢોળી દીધો છે. ત્યારે હવે ઉચ્ચ આરોગ્ય તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં લે તે જરૂરી બન્યું છે.

ગાંધીનગરથી ઇન્સ્પેકશન રિપોર્ટ આવશે ત્યારે મશીન શરૂ થશે
સિવિલ અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં CSR એક્ટિવિટી અંતર્ગત LR મશીન મળ્યું છે. આ મશીન ઉપયોગમાં લેવા માટે ખાસ પ્રોસીઝર હોય છે. જેમાં મશીનનું ઇન્સ્પેકશન કરાવવું પણ જરૂરી હોય છે. આ માટે ગાંધીનગર અરજી કરવામાં આવી હતી. અને ઇન્સ્પેકશન થઈ ગયું હતું. પરંતુ તેમાં કંપલાઈન્સ આવતા તેને પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પછી લગભગ બે સપ્તાહ પહેલા ફરીથી ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવવાનો બાકી હોય મશીન હજુ શરૂ કરવામાં આવ્યું નથી.

15 દિવસમાં મશીન શરૂ કરવાની સિવિલ અધિક્ષકની ખાતરી
વધુમાં તેમણે જણાવ્યું કે આ મશીનની અંદાજિત કિંમત રૂ. 40 લાખ જેટલી છે. જોકે આ મશીન શરૂ થયુ ન હોવાથી તેના અલ્ટરનેટ તરીકે ફિલ્ટર રાખવામાં આવ્યા છે. આ ફિલ્ટર દ્વારા હાલ મેન્યુઅલી બ્લડ ફિલ્ટર કરીને તમામ દર્દીઓને આપવામાં આવી રહ્યું છે. જેને લઈને મશીન બંધ હોવા છતાં થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓને કોઈ મુશ્કેલી પડતી નથી. આ અંગે મારે હમણા જ ગાંધીનગર વાત થઈ છે. અને વધુમાં વધુ આગામી 15 દિવસમાં ત્યાંથી ઇન્સ્પેકશનનો રિપોર્ટ આવ્યા બાદ તરત જ આ મશીન શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

દર્દીઓના બ્લડને મેન્યુઅલી ફિલ્ટર કરવું પડે છે
ઉલ્લેખનીય છે કે, LR મશીન દ્વારા બ્લડ ફિલ્ટર થાય છે અને ફિલ્ટર લોહી ચડાવ્યા બાદ દર્દીઓમાં કોઈ ફરિયાદ કે રીએકશન થાય તેવી સંભાવના રહેતી નથી. હાલ આ મશીનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને તેનો લાભ મળતો ન હોવાથી દર્દીઓ મોતનાં મુખમાં ધકેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે હવે સિવિલ અધિક્ષકે ખાતરી આપ્યા બાદ ગાંધીનગરથી ઇન્સ્પેકશન રિપોર્ટ ક્યારે આવે છે અને આ મશીનની સુવિધા ક્યારે શરૂ થાય છે તે આવનારો સમય જ બતાવશે.


Spread the love

Related posts

રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા:17 હોટલ-રેસ્ટોરાંમાં ચેકિંગ કરી 16 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો, 2 વેપારીને નોટિસ ફટકારી

Team News Updates

ગોંડલમાં કમોસમી વરસાદને કારણે પાકને નુક્સાન, ખેડૂતો રડી પડ્યા

Team News Updates

રાજકોટ ટ્રાફિક પોલીસની અનોખી પહેલઃ ૬૮ વાહન ચાલકોને અપાઇ હેલ્મેટ

Team News Updates