સુરેન્દ્રનગર ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી સિંહ આવી શકે છે?

0
62

વનવિભાગ દ્વારા ખુલ્લા કુવાની ફરતે પેરાફીટ વોલ કરવા માટે ખેડુતોને અપીલ કરવા માં આવી:ચોટીલામાં સિંહોને વાતાવરણ અનુકૂળ હોવાથી ફરીથી એન્ટ્રીની શકયતા

સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીની પરિસ્થિતિમાં લોકો જંગલો, વન્યજીવો, સૂક્ષ્મજીવો, જૈવ વિવિધતા વગેરેનું મહત્વ સમજતા થયા છે, અને વન્યજીવોના સંરક્ષણમાં સહભાગી બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, ખેતરમાં આવેલા ખુલ્લા કુવામાં અકસ્માતે વન્યજીવો પડી જતા હોય છે, જેના કારણે ઘણી વખત તેમનું મૃત્યુ પણ થતું હોય છે. પરંતુ જો ખુલ્લા કુવા ફરતે પેરાફીટ કરવામાં આવે તો આ પ્રકારના બનાવો બનવાની શક્યતા રહેતી નથી. આ માટે વન વિભાગ દ્વારા ખેડુતોને ખુલ્લા કુવા ફરતે પેરાફીટ બનાવી આપવા માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર સહાય કરવામાં આવશે. આ કામગીરીમાં મહત્તમ રૂપિયા 16,000/-ની મર્યાદામાં 90 ટકા ફાળો વનવિભાગ દ્વારા આપવામાં આવશે. જ્યારે 10 ટકા ફાળો ખેડુતોએ ભરવાનો રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વન્ય જીવો પ્રભાવિત વિસ્તારની માહિતી ઉપરથી હાલમા ચોટીલા તાલુકાના ચીરોડા, રામપરા (રાજ), મોલડી, રામપરા(રૂ.), રૂપાવટી, પાજવાળી, નાવા, દેવસર, બાવળી, રાજપરા, કાબરણ, ભોજપરી, ભોજપરા, ગુંદા, ડાકવડલા, મહીદડ, ખાટડી, ભીમગઢ, ખેરાણા, લાખચોકીયા, તબોડા, સણોસરા, મેવાસા(સુખસર), સૂરૈય, ચીરોડા(ભાદર), ચોબારી, રામપરા(ચોબારી), ધરમપુર, પરબડી, દેવપરા(આણંદપુર), તાજપર, ગુગલીયાણા, નારિયેળી તથા રાજાવડા, નાવા અને થાનગઢ તાલુકાના રૂપાવટી, થાનગઢ અને દેવળીયા, મૂળી તાલુકાના વગડીયા, ખાખરાળા, સાંગધ્રા, ભેટ, વિરપર, સરા તથા સાયલા તાલુકાના ઈશ્વરીયા, ચોરવિરા, સીતાગઢ, ગોસળ, જસાપર, ડોળીયા, કાનપર, સોરીભડા, હડાળા, ધારાડુંગરી, શાપર, સોનપરી, ઢાંકણીયા, ટીટોડા, સખપર, સામતપર, સેજેકપર અને શાંતિનગર ગામોની આ યોજના માટે પસંદગી કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ઉપરોક્ત મુજબના ચોટીલા તાલુકાના ગામોના ખેડુતો રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી, રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, સરકારી હોસ્પિટલ પાસે – ચોટીલા, થાનગઢ અને મુળી તાલુકાના ઉપરોક્ત મુજબના ગામો તથા સાયલા તાલુકાના ઈશ્વરીયા, ચોરવિરા અને સીતાગઢ ગામના ખેડુતો રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી, રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, જી.ઈ.બી.ઓફીસ પાસે – થાનગઢ તેમજ સાયલા તાલુકાના ઉપરોક્ત મુજબના બાકીના ગામોના ખેડુતો રેંજ ઓફીસરશ્રી, રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી- ફોરેસ્ટ કોલોની- મુળીનો સંપર્ક કરી ફોર્મ ભરી શકશે. મર્યાદિત સંખ્યામાં લાભ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
ઉપરોક્ત દર્શાવેલ ગામના ખેડુતોને આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી માહિતી રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી ચોટીલા, મૂળી અને થાનગઢથી મળી શકશે. ખેડુતોને આ યોજનાનો લાભ લઈ વન્યજીવોના સંરક્ષણમાં ભાગીદાર બનવા માટે વનવિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે સિંહ આવવાથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારનો લાયન લેન્ડસ્કેપમાં સમાવેશ થયેલ છે. 5 અને 6 જૂન – 2020ના પૂન: અવલોકનની વન વિભાગની જાહેર કરવામાં આવેલ વિગતોને ધ્યાને લઈએ તો ગુજરાતમાં વર્ષ 1990માં સિંહોની સંખ્યા 284 હતી. જે વધીને 674 થઈ ગઈ છે. તથા સિંહ પ્રભાવિત વિસ્તાર 6,600 વર્ગ કિલોમીટરથી વધીને 30,000 વર્ગ કિલોમીટર સુધી વધવા પામેલ છે. વર્ષ 2015 માં કરવામાં આવેલ સિંહ ગણતરીની સાપેક્ષ સિંહની સંખ્યામાં અત્યાર સુધીમાં સર્વોચ્ચ 29 ટકાનો વધારો તેમજ સિંહ પ્રભાવિત વિસ્તારમાં 36 ટકાના વધારા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને વનવિભાગની સાથે-સાથે ગુજરાતના લોકોને વન્ય પ્રાણી સંરક્ષણ ભાવના માટે અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here