તરુણ ગોગોઈ 3 વખત આસામના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોરોનાને લીધે સર્જાયેલી જટિલ સ્થિતિને લીધે 2જી નવેમ્બરથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે- ફાઈલ ફોટો.
આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ (86)ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કોરોના બાદ સર્જાયેલી જટિલ સ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે. ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગોગોઈ 3 વખત આસામના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
આસામના આરોગ્યપ્રધાન હેમંત બિસ્વ શર્માએ કહ્યું હતું કે ગોગોઈની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, તેઓ લાઈફ સપોર્ટ પર છે. તેમનાં અનેક અંગ કામ કરી રહ્યાં નથી. રવિવારે 6 કલાક તેમનું ડાયાલિસિસ થયું હતું, જોકે શરીરમાં ફરી વખત ટોક્સિન જમા થઈ ચૂક્યું છે. હવે તેઓ એવી સ્થિતિમાં નથી કે ફરી વખત ડાયાલિસિસ કરી શકાય.
ઓગસ્ટમાં કોરોના થતાં 2 મહિનાથી હોસ્પિટલમાં હતા
ગોગોઈ 2 નવેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે. શનિવારે તેમની સ્થિતિ બગડતાં તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરવા પડ્યા હતા. 25 ઓગસ્ટના રોજ તેઓ કોરોના સંક્રમિત થયા હોવાની જાણ થતાં તેમને ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાને પગલે અન્ય જટિલ સ્થિતિ સર્જાવાને લીધે છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલમાં રહ્યા બાદ 25 ઓક્ટોબરના રોજ રજા આપવામાં આવી હતી.
CM સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢમાં કાર્યક્રમ અધવચ્ચે છોડી ગુવાહાટી પરત ફર્યા
સોનોવાલે ટ્વીટ કરી માહિતી આપી છે. સોનોવાલે કહ્યું છે કે ગોગોઈ તેમના પિતા સમાન છે.