પુણેની સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ સેન્ટરમાં ‘બિહાઇન્ડ ધ સ્ક્રીન લાઇફ ઓફ ધ એક્ટર્સ પ્લેઇંગ રામલીલા’ પર પર્ફોર્મ કરવામાં આવ્યું હતું, પરંતુ પર્ફોર્મન્સ દરમિયાન જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને નાટક રજૂ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ABVPનો આરોપ છે કે આ નાટકમાં માતા સીતા સાથે સંબંધિત ઘણાં વાંધાજનક સંવાદો અને દૃશ્યો છે.
વિવાદ વધતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ રામલીલા પર આધારિત નાટક પર્ફોર્મ કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ યુનિવર્સિટીના પ્રોફેસર અને 5 વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
નાટકનાં પાત્રો સિગારેટ પીતાં હતાં અને સ્ટેજ પર અપશબ્દો બોલી રહ્યાં હતાં
એફઆઈઆર મુજબ, નાટકમાં સીતાનું પાત્ર ભજવનાર વિદ્યાર્થીને સિગારેટ પીતો અને અપશબ્દોનો ઉપયોગ કરતો બતાવવામાં આવ્યો હતો. જ્યારે પ્રેક્ષકોમાં હાજર ABVPના સભ્યોએ નાટક સામે વાંધો ઉઠાવ્યો અને પ્રદર્શન અટકાવ્યું, ત્યારે કલાકારોએ તેમને ધક્કો મારવાનું શરૂ કર્યું. કલાકારોએ કહ્યું હતું કે રામલીલામાં વિવિધ ભૂમિકાઓ નિભાવનાર કલાકારોના બેક સ્ટેજ હાસ્ય-મજાક પર આધારિત હતું.
ધાર્મિક લાગણી દુભાવવા બદલ કેસ નોંધાયો
સબ-ઈન્સ્પેક્ટર અંકુશ ચિંતામને જણાવ્યું હતું કે ABVP અધિકારી હર્ષવર્ધન હરપુડેની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A), એટલે કે કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક, દૂષિત ઈરાદા અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા લોકોમાં લલિત કલા કેન્દ્રના એચઓડી ડૉ. પ્રવીણ ભોલે, વિદ્યાર્થીઓ ભાવેશ પાટીલ, જય પેડનેકર, પ્રથમેશ સાવંત, હૃષિકેશ દળવી અને યશ ચીખલેનો સમાવેશ થાય છે.