News Updates
GUJARAT

માછીમારોની જાળમાં સ્ફટિકનું શિવલિંગ ફસાયું!:દરિયાકિનારે લાવતાં જ દર્શન કરવા લોકોની ભીડ ઊમટી, અંદર શંખ-નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ દેખાઈ રહ્યો હોવાનો દાવો

Spread the love

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતાં આશ્ચર્ય ફેલાયું છે. બુધવારે જંબુસરના કાવી ગામેથી દરિયામાં માછીમારી પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયાકિનારે લાવ્યા હતા, જેની જાણ ગ્રામજનોને થતાં જ દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

માછીમારોને જાળમાં કંઈક ફસાયું હોવાનું જણાયું
જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળમાંથી મચ્છી કાઢવા માટે ગયા હતા. ત્યારે આ સમયે તેમની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ ગયું હતું.

10થી 12 માથીમારો દરિયાકિનારે લઈ આવ્યા
માછીમારોની જાળમાં શિવલિંગ આકારનું કંઇક ફસાઈ જતાં માછીમાર ભાઈઓએ એને ઊંચકવાનો પ્રયત્ન કરતાં એ ઘણું જ વજનદાર હોવાથી તેમનાથી ઊચકાતું નહોતું. જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ મેળવી 10થી 12 વ્યક્તિઓએ ભેગા મળી એને ઊંચકી બોટમાં ચઢાવ્યું હતું અને માછીમારો ભારે જહેમત બાદ એને કાવીના દરિયાકિનારે લાવ્યા હતા.

સાફ કરીને જોયું તો સ્ફટિકનું શિવલિંગ હતું
દરિયાકિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢી સાફ કરીને જોતાં એ સ્ફટિકનું શિવલિંગ અને એમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગેની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનોનાં ટોળેટોળાં શિવલિંગને જોવા ઊમટી પડ્યાં હતાં. આ અંગે માછીમારોને કાવીના પીએસઆઈ વૈશાલી આહીરને જાણ કરી હતી.

કમલેશ્વર મહાદેવ અથવા અન્ય શિવમંદિરમાં સ્થાપિત કરાશે
પીએસઆઈ વૈશાલી આહીર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે. આખું શિવલિંગ ટેબલ પર મૂકવામાં આવતાં પેપર વેઇટ જેવું છે. એમાં ચાંદીનો શેષનાગ દેખાઇ રહ્યો છે, જેને મેં જાતે જઈને જોયો છે. હાલમાં તો ગ્રામજનો આ શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ અથવા અન્ય શિવમંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે.


Spread the love

Related posts

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં આગ:વલસાડ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં આગ લાગતાં અફરાતફરી, જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાઈ

Team News Updates

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ:પાલનપુર-અમદાવાદ હાઈવે ઘૂંટણ સમા પાણી ભરાયા, થરાદમાં અતિભારે વરસાદ, પાટણમાં અનેક વૃક્ષો ધરાશાયી

Team News Updates

કેળાની ખેતી કરી ખેડૂત બન્યો અમીર, જાણો કેવી રીતે થયો એક વર્ષમાં 81 લાખ રૂપિયાનો નફો

Team News Updates