હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ટેકનિકલ ખામીને કારણે ઈલેક્ટ્રિક એસયુવી આઇકોનિક 5ના 1,744 યુનિટ પાછા બોલાવ્યા છે. દક્ષિણ કોરિયન કંપનીના આ રિકોલમાં 21 જુલાઈ, 2022 અને એપ્રિલ 30, 2024 વચ્ચે ઉત્પાદિત આઇકોનિક 5 મોડલનો સમાવેશ થાય છે. હ્યુન્ડાઈએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.
Hyundai Ioniq 5 ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં જાન્યુઆરી 2023માં લોન્ચ કરવામાં આવી હતી. તે અહીં એસેમ્બલ વેચાય છે. આઇકોનિક 5ની કિંમત ભારતમાં રૂ 45.95 લાખ એક્સ-શોરૂમ છે અને તે 72.6 kWh બેટરી પેક દ્વારા સંચાલિત છે જે સંપૂર્ણ ચાર્જ પર 631 કિમીની ARAI પ્રમાણિત રેન્જ આપે છે.
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, આ વાહનોના ઇન્ટિગ્રેટેડ ચાર્જિંગ કંટ્રોલ યુનિટ (ICCU)માં ખામી જોવા મળી છે. તે નિયંત્રક તરીકે કામ કરે છે, જે મુખ્ય બેટરી પેકના ઉચ્ચ વોલ્ટેજને ઘટાડીને 12Wh બેટરી (સેકન્ડરી બેટરી) ચાર્જ કરે છે. ICCU માં ખામી 12-વોટની બેટરીને ડિસ્ચાર્જ કરી શકે છે, જે ઇલેક્ટ્રિક વાહનની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, સ્પીકર્સ અને એર કન્ડીશનીંગ અને લાઇટ જેવા મહત્વપૂર્ણ ઘટકોને પાવર સપ્લાય કરે છે.
હ્યુન્ડાઈએ કહ્યું, ‘તે સત્તાવાર વર્કશોપમાંથી ફોન અને SMS દ્વારા ગ્રાહકોનો વ્યક્તિગત રીતે સંપર્ક કરી રહી છે. અસરગ્રસ્ત ગ્રાહકો એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવા માટે ડીલરશીપનો સંપર્ક કરી શકે છે અથવા હ્યુન્ડાઇના કોલ સેન્ટરને 1800-114-645 (ટોલ-ફ્રી) પર કૉલ કરી શકે છે. કારમાં ટેસ્ટિંગ બાદ ખામી દૂર કરવામાં આવશે. ખામીયુક્ત પાર્ટસ બદલવા અંગે વાહન માલિકોને જાણ કરવામાં આવશે. ખામીને સુધારવા અથવા ભાગો બદલવા માટે ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની આ વર્ષે તેની કાર માટે આ બીજી વાર રિકોલ છે. અગાઉ ક્રેટા અને વર્નાના 7698 કારને રિકોલ કરવામાં આવી હતી. કંપનીએ બંને કારના 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનથી સજ્જ માત્ર CVT ઓટોમેટિક વેરિઅન્ટને જ રિકોલ કર્યા હતા.
Hyundaiએ કહ્યું હતું કે Creta અને Vernaના ઈલેક્ટ્રોનિક ફ્યુઅલ પંપ કંટ્રોલર ખરાબ થઈ શકે છે. આ CVT ગિયરબોક્સમાં ઇલેક્ટ્રોનિક ઇંધણ પંપના પ્રદર્શનને અસર કરી શકે છે. આ રિકોલમાં 13 ફેબ્રુઆરી, 2023 અને જૂન 06, 2023 વચ્ચે ઉત્પાદિત બંને કારના 7,698 એકમોનો સમાવેશ થાય છે.