જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવ પરા વિસ્તારમાં 29 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. પાડોશમાં જ રહેતા યુવકે 29 વર્ષીય સંજય મકવાણા નામમાં યુવકને પૈસાની લેતી દેતી મામલે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા. જેથી સંજય મકવાણાનું મોત થયું છે.
જૂનાગઢમાં ગત રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. જેને પગલે ચકચાર મચી છે. યુવક સંજય પોતાના ઘરની બહાર હતો. ત્યારે પાડોશમાં રહેતા દેવા ચૌહાણે સંજય પાસે રૂપિયાની માંગ કરી હતી. જેની ના પાડતા દેવાએ સંજય પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી સંજય ત્યા જ ઢળી પડ્યો હતો. ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ યુવકની હત્યાથી ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.
આ હત્યાની જાણ થતા જૂનાગઢ ડીવાયએસપી ,પીઆઈ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.