News Updates
JUNAGADH

BJP અગ્રણીએ 10 દિવસ સુધી પોલીસને ફેરવી:વંથલી કોર્ટના 15 લાખ ભરવા પોતે લૂંટાયાનો પ્લાન ઘડ્યો; મિલના 9.30 લાખ ચાંઉ કરી પોલીસને કહ્યું-મને 3 લોકોએ લૂંટી લીધો

Spread the love

‘હું કપાસના ધંધા સાથે સંકળાયેલો છું, જેથી અવારનવાર કપાસની મિલોમાં પેમેન્ટ લેવા માટે જાઉ ંછું. આજે સણોસરા ગામના ખેડૂતને રૂપિયા 9.30 લાખ આપવા જતો હતો. ત્યારે માણાવદરની ITI સ્કૂલની નજીક ગૌશાળા પાસે કાચા રસ્તે એક અજાણ્યો માણસ ઊભો હતો અને અચાનક બીજી તરફથી કાળાં કપડાં પહેરેલા બે બીજા માણસો આવ્યા. ત્રણેય માણસોએ મને પાટું મારીને બાઇક પરથી પાડી દીધો અને રૂપિયા લઇને ભાગી ગયા…’

ઉપરના શબ્દો છે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના એ અગ્રણીના કે જેણે વંથલી કોર્ટના 15 લાખ ભરવા માટે પોતે જ લૂંટાયો હોવાનો મજબૂત પ્લાન બનાવ્યો.. એક બે દિવસ નહીં સતત 10 દિવસ સુધી પોલીસને ગેરમાર્ગે દોરી પણ વધારે સફળ ન થઇ શક્યો.. પોલીસે ક્રોસ ઇન્કવાયરી કરીને પૂછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો અને પોપટની જેમ પોલીસ આગળ હકીકત વર્ણવી.. શું હતો વંથલી કોર્ટનો કેસ? ભાજપનો અગ્રણી આ આરોપી કોણ છે? એવું શું થયું કે પોતે જ લૂંટાયો હોવાનો પ્લાન ઘડવો પડ્યો? આ અહેવાલમાં એક પછી એક સમગ્ર ઘટના પર વિગતવાર નજર કરીએ..

10 દિવસ પહેલાં શું થયું હતું?
તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી દિનેશ કાલરિયા મિલના રૂપિયા 9.30 લાખ લઇને સણોસરા ગામે ખેડૂતને પેમેન્ટ આપવા જતા હતા. ત્યારે માણાવદરની ITI સ્કૂલની નજીક ગૌશાળા પાસે કાચા રસ્તે પોતે બાઇક સાથે ઇજાગ્રસ્ત હાલતમાં એક સાઇકલ ચાલકે જોતા પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે દિનેશ કાલરિયાએ પોતે લૂંટાયા હોવાની કેફિયત પોલીસ આગળ વર્ણવી હતી.

‘ત્રણ માણસો મને લૂંટીને જતા રહ્યા’
દિનેશ કાલરિયાએ પોલીસને જણાવ્યું હતું કે, હું કપાસના ધંધા સાથે સંકળાયેલો છું અને અવાર નવાર કપાસની મિલોમાં પેમેન્ટ લેવા માટે જાઉં છું. હું કપાસ લે-વેચનો ધંધો કરતો હોવાથી મારે અવારનવાર મિલોમાં આવવા-જવાનું થતું હોય છે. ત્યારે આજે સણોસરા ગામના ખેડૂતને રૂપિયા આપવા જતો હતો અને ખેડૂતને આપવા માટેના રૂપિયા 9.30 લાખ મારી પાસે હતા. ત્યારે અચાનક જ માણાવદરની આટીઆઈ સ્કૂલની નજીક ગૌશાળા પાસે એક અજાણ્યો માણસ ઊભો હતો અને બીજી તરફથી કાળાં કપડાં પહેરી બે માણસો આવ્યા હતા. તે લોકોએ મને પાટું મારી નીચે પછાડી મારી પાસે રહેલા રૂપિયા લઈ નાસી છૂટ્યા હતા.

પોલીસે અલગ-અલગ જગ્યાએ નાકાબંધી કરી
સમી સાંજે લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો હતો. આઈટીઆઈ નજીક લૂંટ થઇ હોવાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં એકત્રિત થયાં હતાં. ઘટનાની ગંભીરતાને લઇ માણાવદર પીએસઆઇ, ડીવાએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લૂંટની ફરિયાદ દાખલ કરી આ રૂટના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરી હતી.

અનેક પ્રયાસો કર્યા પણ પોલીસને સફળતા ન મળી
પોલીસે ફરિયાદીને સાથે રાખીને ઘટનાસ્થળે જઈ રિકન્ટ્રક્શન પણ કર્યું હતું. આ ઉપરાંત 10 દિવસમાં આ રૂટના તમામ સીસીટીવી કેમરા પોલીસે ફંફોળી દીધા હતા, પણ લૂંટની કોઇ કડી મળતી નહોતી. એટલે કંઇક અજુગતું કારણ જણાતા પોલીસે ફરિયાદી અને ઘટનાસ્થળેથી પોલીસને ફોન કરનાર સાઇકલ ચાલકની ઊલટ તપાસ હાથ ધરી હતી. છતાં પણ પોલીસને કોઇ કડી મળી નહોતી.

આમ લૂંટની આ ઘટનાનો કેસ વધુ ગૂંચવાયેલો જણાતા પોલીસે ફરિયાદી દિનેશ કાલરિયાની ક્રોસ તપાસ કરી અને કડક પૂછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો હતો અને પોલીસ આગળ જે હકીકત વર્ણવી એ સાંભળીને પોલીસના પગતળેથી જમીન સરકી ગઇ હતી. દિનેશ કાલરિયાએ પોલીસને શું જણાવ્યું અને પોતે લૂંટાયા હોવાનો કેમ પ્લાન ઘડ્યો એ આગળ વાંચીએ..

આરોપીએ વંથલી કોર્ટનો કેસ વર્ણવ્યો
ઘટના વર્ણવતા દિનેશ કાલરિયાએ પોલીસને જણાવ્યું કે, પોતે જ્યારે માણાવદર નગરપાલિકાનો પ્રમુખ હતો, ત્યારથી એક કેસ તેના પર ચાલતો હતો. જે કેસ બાબતે તેને 15 લાખ જેટલી રકમ કોર્ટમાં ભરવાની હતી. એ રૂપિયાની સગવડ ન થતાં પોતે ખૂબ ચિંતામાં રહેતો હતો. જેથી તેણે આ પ્લાન ઘડ્યો હતો. એ દિવસે મિલનું પેમેન્ટ લઇ પહેલાં ઘરે ગયો હતો. ઘરે પેમેન્ટ મૂકીને જાંબુડાના રસ્તે ગયો હતો અને પોતે લૂંટાયો હોવાનું તરખટ રચ્યું હતું.

શું કહે છે ઈન્ચાર્જ એસપી?
આ મામલે ઈન્ચાર્જ એસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ફરિયાદી દિનેશ કાલરિયાએ કપાસનું પેમેન્ટ આપવા જતા પોતે લૂંટાયા હોવાની માણાવદર પોલીસ સ્ટેશનમાં પોતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશ કાલરિયા ગુણાતીત મિલમાંથી પેમેન્ટ લઈ સન લાઈટ કોટન મિલમાં 9.30 લાખ રૂપિયા આપવા જતા હતા. તે સમયે રસ્તામાં ત્રણ શખ્સો લૂંટ કરી નાસી ગયા હતા. જે મામલે માણાવદર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે ધરપકડ કરી
લૂંટની ઘટનાને લઈ માણાવદર પીએસઆઇ ચેતક બારોટ અને પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદી દિનેશ કાલરિયાને સાથે રાખી ઘટના સ્થળે જઈ રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પરંતુ બનેલ ઘટનાથી વાસ્તવિકતા જુદી સામે આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદી દિનેશ કાલરિયાની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ફરિયાદી દ્વારા પોતે જ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હાલ દિનેશ કાલરિયાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

‘મારી માટી મારો દેશ’:જામજોધપુરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ

Team News Updates

જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર આરામ ફરમાવી રહેલા શ્વાન પર દીપડો ત્રાટક્યો, માત્ર પાંચ સેકન્ડમાં જ હતો નહોતો કરી નાખ્યો

Team News Updates

ગિરનાર રોપ વે બંધ રખાયો:અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા રોપે- વે બંધ, પ્રવાસીઓ હેરાન પરેશાન

Team News Updates