અમદાવાદમાં સ્થિત ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા GIET ગ્રિષ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ 6 સ્પર્ધામાં રાજકોટના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. તેમાં પણ એજ્યુકેશન રીલ્સમાં રાજકોટના શિક્ષકે રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવી છે. GIET ગ્રિષ્મોત્સવ 2023માં શોર્ટ ફિલ્મ, ડ્રામા, વાર્તા લેખન અને અભિવ્યક્તિ, વક્તૃત્વ, એજ્યુકેશન રિલ્સ, સાયન્સ ટોયઝ, બાળગીત અને કાવ્ય ગાન, બાળ અભિનય ગીત સ્પર્ધા, પદાર્થ ચિત્ર, ભાત ચિત્ર, ચિત્ર સંયોજન અને પ્રકૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
અંગ્રેજી વિષયની લર્નિંગ આઉટકમ આધારિત રીલ્સ
જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાણનાથજી પ્રાથમિક શાળા નં. 85માં ફરજ બજાવતા શિક્ષક મનિષભાઈ સંચાણિયા દ્વારા નિર્મિત અંગ્રેજી વિષયની લર્નિંગ આઉટકમ આધારિત રિલ્સે રાજ્યકક્ષાએ નંબર મેળવ્યો છે. મનિષભાઈ દ્વારા અંગ્રેજી વિષય માટે Gujjuenglish નામની Youtube ચેનલ ચલાવાય છે અને ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરી સરકારી શાળાના બાળકોને પીરસે છે.
શિક્ષકને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
આ ઉપરાંત વાર્તા લેખન અને અભિવ્યક્તિ ઉપરાંત સાયન્સ ટોય સ્પર્ધામાં સી.કે.જી. પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડોબરિયા માર્ગી જીતેન્દ્રભાઈ વિજેતા બની છે. જ્યારે બાળગીત અને કાવ્ય ગાન સ્પર્ધામાં જસદણના જૂના પિપળિયાની શાળાના વિદ્યાર્થી રામાણી ધર્મજ આશિષભાઈ, પદાર્થ ચિત્રમાં ધોરાજીની આદર્શ સ્કૂલના વિદ્યાર્થી રોકડ અર્થ રેનીશભાઈ, પ્રકૃતિ ચિત્રમાં જૂના પિપળિયાના શિક્ષક આશિષ રામાણી વિજેતા બન્યા છે. વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અમદાવાદમાં GIET ભવનમાં નિયામક રાવલ દ્વારા શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા.