સીએમ રૂપાણીએ સોલાર પાવર પોલિસી 2021ની જાહેરાત કરી, પોલિસીના કારણે સોલાર પાવર કોસ્ટમાં મોટો ઘટાડો થશે.

0
170

સીએમ રૂપાણીની સોલાર પાવર પોલિસી 2021ને લઈને મહત્વની જાહેરાત, હવે સૌરઊર્જાની પાવર કોસ્ટ અડધી થશે. સોલાર પાવર પોલિસી-2021 પાંચ વર્ષ સુધી રહેશે. દરેક વ્યક્તિ વાપરી શકે તે માટે સોલાર પાવરની પોલિસીને ઓપન કરવામાં આવી છે. નવી નીતિથી સૌરઊર્જાનો દર ઘટશે. આ પોલિસીના કારણે સોલાર પાવર કોસ્ટમાં મોટો ઘટાડો થશે. લગભગ 4.50 રૂપિયાની આસપાસ ખર્ચ થશે. હાલમાં એક યુનિટના 8 રૂપિયા લેવાયા છે. જે હવે ઘટીને 4.50 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે.

ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે
તેમણે આ પોલીસીની વિગતો આપતા કહ્યુ કે, રાજ્યના લઘુ-MSME, મધ્યમ ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. એટલું જ નહિ, આવા ઊદ્યોગો સહિત રાજ્યના મોટા ઊદ્યોગો પાણ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહી શકશે. આ નવી સોલર પાવર પોલીસી આગામી પાંચ વર્ષ એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે. જેમાં સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સ માટેના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે. આ પોલીસી અંતર્ગત રહેણાંક હેતુના ગ્રાહકો માટે, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના, થર્ડ પાર્ટી દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકને વેચાણ માટેના, વીજ વિતરણ કંપનીઓને (ડિસ્કોમ) વીજ વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે.

2022 સુધીમાં 30 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય
મુખ્યમંત્રીએ ગ્રીન એનર્જી ક્ષ્રેત્રે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યુ કે, ગુજરાતે 11 હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને 2022 સુધીમાં 30 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય છે. જેમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજયમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી 800 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી રહેલ છે તેમજ રાજ્ય સોલાર રૂફટોપ યોજનામાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. દેશમાં સૌ પ્રથમ સોલાર પોલિસીની સાથે સાથે “સૂર્ય ગુજરાત યોજના” પણ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ચારણકા સોલાર પાર્કની ક્ષમતા વધારવાની સાથે સાથે ધોલેરામાં પણ 1000 મેગાવોટનો સોલાર પાર્ક તથા 700 મેગાવોટના રાધાનેસડા સોલાર પાર્ક નિર્માણાધિન છે. આ રીતે ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું છે.

કાર્બનના ઉત્સર્જનમાં 60 મીલીયન ટન જેટલો ઘટાડો થશે
તેમણે ઉમેર્યુ કે, રીન્યુએબલ એનર્જી માટે 60 હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીએ કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ખાતમૂહુર્ત પણ કર્યુ છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે, 30 ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થવાથી 60 હજાર મિલિયન યુનિટથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી કાર્બનના ઉત્સર્જનમાં 60 મીલીયન ટન જેટલો ઘટાડો થશે. એટલું જ નહી 40 મિલીયન ટન કોલસાની પણ બચત થશે અને વાર્ષિક 25 હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાતની સાથોસાથ અન્ય રાજ્યોને પણ ઊર્જા પૂરી પડાશે તથા અન્ય રાજ્યોને પણ ઊર્જા ની સાથે સાથે અન્ય ઉદ્યોગ ગૃહોને રોજગારી માટે મદદ પણ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here