વિંગ કમાન્ડર નમ્રતા ચાંદીનો ઇન્ટરવ્યૂ : ‘ગુંજન સક્સેના’ બાયોપિક નહીં પણ એક કાલ્પનિક વાર્તા છે, કારણ કે કારગિલ જનારી પહેલી ફીમેલ પાયલટ શ્રીવિદ્યા રાજન હતી

0
335
  • ઈન્ડિયન એરફોર્સમાંથી રિટાયર્ડ વિંગ કમાન્ડર નમ્રતા ચાંદીએ કહ્યું, એરફોર્સમાં ક્યારેય મહિલાઓ સાથે ભેદભાવ થયો નથી
  • ‘ફિલ્મમાં એરફોર્સની જે ઈમેજ બતાવવામાં આવી છે, તે જોઈને કોઈ યુવતી એરફોર્સમાં જવા ઈચ્છશે નહીં’

‘જ્યારે મેં સાંભળ્યું કે ‘ગુંજન સક્સેના’ના જીવન પરથી ફિલ્મ બની રહી છે તો વિચાર્યું કે આ ફિલ્મની મદદથી લોકોને ભારતીય વાયુસેના અંગે કંઈક સારું જાણવા મળશે પરંતુ જ્યારે આ ફિલ્મ આવી અને મેં આ ફિલ્મ જોઈ તો મને ખ્યાલ આવી ગયો કે કોઈ એક વ્યક્તિની ફૅક ઈમેજ બનાવવા માટે એરફોર્સની ઈમેજ સાથે રમત રમવામાં આવી છે.’ આ શબ્દો વિંગ કમાન્ડર નમ્રતા ચાંદીએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યાં હતાં.

‘તમે ફિલ્મમેકર્સ તરીકે સિનેમેટિક લિબર્ટી, ક્રિએટિવ ફ્રીડમના નામ પર ખોટી બાબતો બતાવી શકો નહીં. ધર્મા પ્રોડક્શને પોતાની ક્રિએટિવ ફ્રીડમ ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મમાં જ બતાવવી જોઈએ. હું પોતે એક હેલિકોપ્ટર પાયલટ રહી ચૂકી છું. હું 15 વર્ષ એરફોર્સમાં રહી પરંતુ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે તેવા એક પણ દુર્વ્યવહારનો સામનો મારે કરવો પડ્યો નથી. મેલ ઓફિસર વધુ પ્રોફેશનલ તથા જેન્ટલમેલ હોય છે.’ ઈન્ડિયન એરફોર્સમાંથી રિટાયર્ડ વિંગ કમાન્ડર નમ્રતા ચાંદીએ હાલમાં જ આવેલી ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં બતાવવામાં આવેલી એરફોર્સની ઈમેજ અંગે આ વાત કહી હતી.

ભાસ્કર સાથેની વાતચીતમાં નમ્રતાએ કહ્યું હતું કે તેમની ટ્રેનિંગ 1995માં હકીમપેટ તથા દુંદિગલમાં થઈ હતી. આ દરમિયાન છ યુવતીઓની એક બેચ હતી, આમાં નમ્રતા ઉપરાંત તેમની નાની બહેન સુપ્રીત ચાંદી, ગુંજન સક્સેના, અનુરાધા નાયર, સરિતા સિરોહી તથા શ્રીવિદ્યા રાજન હતાં. એરફોર્સમાં મહિલા હેલિકોપ્ટર પાયલટની આ ચોથી બેચ હતી. એરફોર્સમાં મહિલાઓને હંમેશાં સમાન તક મળી છે. મને અને મારી દરેક બેચમેટને COથી લઈને દરેક ઓફિસર તથા મેલ કલીગ્સનો સપોર્ટ મળ્યો છે. મહિલા હોવાથી અમને ક્યારેય કોઈએ નીચા પાડવાનો પ્રયાસ કર્યો નથી.

ઈન્ડિયન એરફોર્સમાંથી રિટાયર્ડ વિંગ કમાન્ડ નમ્રતા ચાંદીએ ‘ગુંજન સક્સેના’ ફિલ્મમાં બતાવેલી એરફોર્સની ઈમેજ પર મેકર્સ સામે સવાલ ઊભા કર્યા છે.

આ ફિલ્મ બાયોપિક નહીં પણ કાલ્પનિક વાર્તા છે
નમ્રતાએ કહ્યું હતું કે ફિલ્મમાં જે રીતે એરફોર્સની નેગેટિવ ઈમેજ તથા મહિલા પાયલટની સાથે પુરુષ સાથીઓનો વ્યવહાર બતાવવામાં આવ્યો છે, તે જોઈને કોઈ પણ યુવતી એરફોર્સમાં જવા માગશે નહીં. આ ફિલ્મ જોયા બાદ હું એરફોર્સમાં જવા અંગે વિચારી પણ ના શકું.

નમ્રતાએ આગળ કહ્યું હતું કે કારગિલમાં ફ્લાય કરનાર પહેલી મહિલા પાયલટ શ્રીવિદ્યા રાજન હતી અને ફિલ્મમાં પાયલટ ગુંજન બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા આર્મ્ડ ફોર્સનું મોરલ ડાઉન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બાયોપિક નથી પરંતુ એક કાલ્પનિક વાર્તા છે. આ ફિલ્મમાં ગુંજનને એક વિક્ટિમની જેમ બતાવવામાં આવી છે. ગુંજનની સાથે તે યુનિટમાં અન્ય બે લેડી પાયલટ પણ પોસ્ટેડ હતી પરંતુ ફિલ્મમાં તેમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

નમ્રતાએ આગળ કહ્યું હતું કે મને નવાઈ લાગી કે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ગુંજન સક્સેનાને શૌર્ય ચક્ર મળ્યો હતો. આ વાત ખોટી છે. ગુંજને પણ આવી વાતોનું ખંડન કર્યું નથી. આવી વાતો બતાવીને મેકર્સ વાસ્તવિક શૌર્ય ચક્ર વિજેતાઓની બહાદુરી તથા નિષ્ઠાને ધૂળમાં મેળવી રહ્યા છે.

નમ્રતાએ કહ્યું હતું કે મને એ તો ખબર નથી કે ગુંજને ફિલ્મના રિસર્ચર તથા ક્રૂને પોતાના અનુભવો અંગે શું કહ્યું હશે પરંતુ હું આ વાત દાવા સાથે કહી શકું છું કે જેણે એરફોર્સનો યુનિફોર્મ પહેર્યો છે તે સમાજમાં એરફોર્સની નેગેટિવ ઈમેજ બને તેવી વાતો ક્યારેય કરશે નહીં. ગુંજને પણ આવું નહીં જ કર્યું હોય.

નમ્રતા 2011માં રિટાયર્ડ થયાં. તેમની પાસે 2000 કલાક હેલિકોપ્ટર ચલાવવાનો અનુભવ છે

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ગુંજન સક્સેનાને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવી હતી

ટ્રેનિંગ દરમિયાન અમે બંને બહેનોએ એક સાથે ફ્લાય કર્યું હતું, આ એક વર્લ્ડ રેકોર્ડ છે
નમ્રતાએ કહ્યું હતું કે તેઓ શરૂઆતમાં ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં રહેતા હતા. તેમના ફર્સ્ટ કઝિન ફાઈટર પાયલટ હતા અને નાનપણમાં ઘણીવાર વિમાનની વાતો કહેતા હતા. આ જ કારણે તેમણે પણ એરફોર્સમાં જવાનું નક્કી કર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે ચંદીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના છેલ્લા 6 મહિના બાકી હતા તો તેમણે ન્યૂઝ પેપરમાં મહિલા હેલિકોપ્ટર પાયલટ માટેની જાહેરાત જોઈ હતી. ત્યારે તેમની બહેને પણ અપ્લાય કર્યું. તેમણે 1994માં અપ્લાય કર્યું હતું. તેમણે એક્ઝામ, ઇન્ટરવ્યૂ ક્રેક કર્યા અને 1995માં ટ્રેનિંગ શરૂ થઇ. ટ્રેનિંગ દરમિયાન એક વખત એવું પણ થયું કે તેઓ બંને બહેનોએ સાથે ઉડાન ભરી. પછી લોકોએ જણાવ્યું કે આ તો વર્લ્ડ રેકોર્ડ બની ગયો, કારણ કે આજ સુધી બે બહેનોએ એક સાથે ક્યારેય ફ્લાય કર્યું નહોતું.

શરૂઆતના સમયમાં કોમન વોશરૂમ, ચેંજિંગ રૂમને લઈને તકલીફ થતી હતી
નમ્રતાએ જણાવ્યું કે તેમનું પહેલું પોસ્ટિંગ જેસલમેરમાં થયું. આ સમયે તેમણે અમુક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ત્યાં ફીમેલ વોશરૂમ નહોતા. તેમણે મેલ વોશરૂમનો જ ઉપયોગ કરવો પડતો હતો.

નમ્રતાએ વધુમાં કહ્યું હતું કે આવી સ્થિતિમાં તે કોઈને બોલાવીને પહેલા ચેક કરાવતા હતા કે કોઈ વોશરૂમમાં છે તો નહીં. ત્યારબાદ કોઈને બહાર ઊભા રાખીને વોશરૂમ યુઝ કરતા હતા. ત્યારબાદ તો આ સામાન્ય પ્રોસેસ બની ગઈ.

જૂની વાતો યાદ કરીને નમ્રતાએ કહ્યું હતું કે ચેન્જિંગ રૂમમાં જતી વખતે તે ત્યાં હાજર લોકોને બહાર ઊભા રાખી ડ્રેસ બદલતા હતા. આ સમસ્યા માત્ર શરૂઆતમાં હતી પરંતુ તે એટલી મોટી સમસ્યા નહોતી કે તેનો મુદ્દો બનાવવામાં આવે. અમે એરફોર્સમાં સુવિધા માટે નહીં પણ દેશની સેવા કરવા આવીએ છીએ.

જો લાઈફમાં ચેલેન્જ નથી તો પોતાના માટે ચેલેન્જ બનાવો
1996માં નમ્રતાનું પહેલું પોસ્ટિંગ જેસલમેરમાં થયું હતું. તેમણે જણાવ્યું કે રણ તેમને ક્યારેય ગમતું નહોતું, પરંતુ જ્યારે હું ત્યાં ગઈ અને મેં જેસલમેરને આકાશમાંથી જોયું તો મને આ શહેર પ્રત્યે પ્રેમ થઇ ગયો. અહીંયા હું ભારત-પાક બોર્ડર પર રેકી અને રેસ્ક્યુ કરતી હતી. ત્યારબાદ ઉત્તરપ્રદેશના સરસાવામાં પોસ્ટિંગ થયું.

2000માં મેં લેહ જવા માટે વિનંતી કરી, કારણ કે જે પાયલટ સિયાચીન જેવી વિષમ પરિસ્થિતિમાં ફ્લાય કરે છે, તેને બેસ્ટ પાયલટ માનવામાં આવે છે. મારે ચેલેન્જિંગ ફ્લાયિંગ કરવું હતું, આખરે મને ચાન્સ મળ્યો અને હું સિયાચીનમાં ફ્લાય કરનારી પહેલી ફીમેલ પાયલટ પણ બની. મારું માનવું છે કે જો લાઈફમાં પડકારો નથી તો ખુદ માટે પડકાર બનાવો. અહીંયા હું ઘણું જ શીખી હતી.

મેચ બોક્સ હેલિપેડ પર લેન્ડિંગ કરવું સરળ નથી
નમ્રતાએ કહ્યું હતું કે તેમણે સિયાચીનમાં ઘણા લાઈફ સેવિંગ રેસ્ક્યુ કર્યા, તેમાં સૈનિક અને સિવિલ રેસ્ક્યુ પણ હતા. એક વખત ઠંડીના સમયમાં માઇનસ ટેમ્પરેચરમાં અમે એક વૃદ્ધને તેમના ગામડે લેવા ગયા હતા. તે ગામડામાં બે ઘર હતા, તે એકદમ બરફથી ઢંકાયેલ હતા. ત્યાં અમે ઘણી મુશ્કેલીથી લેન્ડ કર્યું હતું. સિયાચીનમાં હંમેશાં ઓછી જગ્યા પર લેન્ડિંગ કરવાનું થતું હતું. અહીંયા મેચ બોક્સ હેલિપેડ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here