કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ નામાંકન માટે સવારે 9 વાગે જયપુર પહોંચ્યા હતા. રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે આવ્યા છે. સોનિયા ગાંધી સવારે 11 વાગ્યે રાજસ્થાન વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભરશે. હવે સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ દ્વારા ખાલી કરાયેલી સીટ પર રાજ્યસભામાં જશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના પ્રસ્તાવકમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરા, વિપક્ષના નેતા ટીકારામ જુલી અને ઘણા વરિષ્ઠ ધારાસભ્યો હશે.
રાજસ્થાન કોંગ્રેસના તમામ ધારાસભ્યો પણ જયપુર પહોંચી ગયા છે. તમામ ધારાસભ્યોને બે દિવસ જયપુરમાં રોકાવાનું કહેવામાં આવ્યું છે. ઉમેદવારી ફોર્મ ભરીને સેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. નામાંકન પત્રકની સાથે પ્રસ્તાવક અને સમર્થક તરીકે 10-10 ધારાસભ્યોની સહીઓ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપે મધ્યપ્રદેશ અને ઓડિશાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઓડિશામાં અશ્વિની વૈષ્ણવને ઉતાર્યા છે.