રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. મહિલાને લોહીનો બાટલો ચડાવતી વખતે એકાએક મોઢામાંથી લોહી નીકળ્યા બાદ થોડીવારમાં મહિલાનું મોત થતા પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવાયો હતો તેમજ આ માટે જવાબદાર ડોક્ટર સામે પગલાં લેવા માગ કરવામાં આવી છે. એક વર્ષ પહેલાં જ મૃતકના લગ્ન થયા હતા અને ડિલિવરી બાદ તેણીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ડિલિવરીના ગણતરીના કલાકોમાં મોત નીપજ્યું
પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતા નંદિનીબેન રાઠોડને ડિલિવરી માટે સતનામ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની તબિયત લથડતા ત્યાંના ડોક્ટરોની સલાહ મુજબ આ મહિલાને જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં મહિલાની તબિયત સ્થિર થઈ હતી અને તેણીને રજા આપવામાં આવનાર હતી. જોકે, એક લોહીનો બાટલો ચડાવવો જરૂરી હોવાથી આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ કારણોસર તેમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યા હતા અને ગણતરીના કલાકોમાં તેણીનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નોર્મલ ડિલિવરી થયા બાદ ટાંકા લીધા
મૃતકનાં મામા સાગરભાઈએ જણાવ્યું હતું કે, નંદિનીબેનને સતનામ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નોર્મલ ડિલિવરી થયા બાદ ટાંકા લીધા હતા. થોડીવાર બાદ તેને આંચકી આવતા જલારામ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બે દિવસમાં તબિયત સ્થિર થઈ ગઈ હતી. તેમજ ગત સાંજે રજા આપવામાં આવનાર હતી. જોકે ત્યાંથી લોહીનો બાટલો ચડાવવા જણાવાયું હતું. અને બાટલો શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક તેમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યા હતા.
રિપોર્ટના બે કલાક બાદ પ્રસૂતાનું મોત
વધુમાં તેમણે જણાવ્યું કે, આ અંગેની જાણ થતાં અમે દોડી ગયા હતા પરંતુ, અમને જોવા પણ દેવામાં આવ્યા નહોતા. ત્યાં ઘણા ડૉક્ટર્સ હતા અને કલાક કરતા વધુ સમય સુધી MRI અને સિટી સ્કેન સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને બે કલાક બાદ નંદિનીબેનનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. આમ સતનામ અને જલારામ હોસ્પિટલનાં ડૉક્ટર્સની બેદરકારીથી આ ઘટના બની છે ત્યારે આ બંને હોસ્પિટલનાં ડોક્ટરો સામે પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે.
શોકનો માહોલ છવાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પૂર્વે નંદિનીબેનનાં લગ્ન થયા હતા અને બે દિવસ પહેલા નોર્મલ ડિલિવરી થતા તેના પરિવારમાં ખુશીનો માહોલ હતો. આ દરમિયાન અચાનક તેમનું મોત થતા ભારે શોકનો માહોલ છવાયો છે. હાલ પરિવારે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.