70 વર્ષ જૂની રાજકોટ નાગરિક બેન્કમાં ગ્રાહકો, થાપણદારો, સભાસદો અને લોન લેનારા સહિત 10 લાખ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી આ બેન્ક કૌભાંડો, અણઘડ ગેરવહીવટને કારણે વિવાદમાં આવી રહી છે ત્યારે હવે RSS સાથે જોડાયેલા લોકો દ્વારા નાગરિક બેન્ક બચાવો સંઘ અસ્તિત્વમાં આવ્યું છે. જેમના દ્વારા જણાવાયું છે કે, નાના માણસોની મોટી બેન્ક ગણાતી રાજકોટ નાગરિક બેન્ક દ્વારા મહારાષ્ટ્રની કાલબાદેવી શાખામાં 25 લોન આપવામાં બેન્ક સાથે છેતરપીંડી કરવામાં આવી છે. બેન્ક બચાવો સંઘ દ્વારા આ 5 કરોડના કોંભાડ અંગેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જો નાગરિક બેન્ક સતાધીશો આ બાબતે જવાબદારો સામે કાયદેસર પગલા ન ભરે તો દસ્તાવેજી પુરાવા સાથે વિગતવાર પર્દાફાશ કરવામાં આવશે અને જરૂર પડયે બેન્ક બચાવો સંઘ દ્વારા જ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ સાથે જ જૂનાગઢમાં 1 જ કુટુંબે 35થી વધુ લોન લીધી છે.
નાગરિક બેન્ક બચાવો સંઘના કન્વીનર ચંદુભા પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર માવજી ડોડીયા, અપના બજારના પૂર્વ ચેરમેન બાલુ શેઠ, યુવા અગ્રણી મનીષ ભટ્ટે જણાવ્યુ હતું કે, અમે જયારે આ અંગે પ્રાથમિક માહિતી જાહેર કરી ત્યારે તેનો વિગતવાર સચોટ જવાબ આપવાને બદલે રિઝર્વ બેન્કે નાગરીક બેન્કને કલીનચીટ આપી હોવાનો ખોટો બચાવ બેન્ક દ્વારા કરવામાં આવેલ છે. રીઝર્વ બેન્કે આ બાબતે બેન્કને પ્રમાણપત્ર આપ્યું છે, તે બેન્કના શાસકો અધિકૃત રીતે જાહેર કરે એવો અમારો ખુલ્લો પડકાર છે. અમારી પાસેની પ્રાપ્ત માહિતી મુજબ નાગરિક બેન્કની મુંબઈ સ્થિત કાલબાદેવી શાખા દ્વારા 25 જેટલી લોનમાં બેન્ક સાથે છેતરપીંડી કરવામાં આવી છે. લોનના અરજદારની લોન પરત કરવાની આર્થિક ક્ષમતાના ધારાધોરણો લોન આપવામાં જાળવવામાં આવ્યા નથી. મોટાભાગના કિસ્સામાં લોન માટે બેન્કમાં અરજદારે ગીરવે મૂકેલ મિલ્કતની વાસ્તવિક કિંમત કરતા 3 ગણી કિંમત આંકવામાં આવી છે. લોન લેનાર લાભાર્થીના ખાતામાંથી લોન આપનાર અધિકારીના ખાતામાં અઢળક આર્થિક વ્યવહારો થયા હોવાનું બેન્કના ઇન્વેસ્ટીગેશન રીપોર્ટમાં શોધી કાઢવામાં આવ્યું છે.
આ ગંભીર કૃત્યમાં બેન્કનાં વેલ્યુઅરની ભૂલ હોય એવું માનવાનું કોઈ કારણ નથી. બેન્કના અધિકારી હેમાંગ ઢેબર તથા તેજસ મહેતાએ આપેલો અહેવાલ ખૂબ ગંભીર અને ચોંકાવનારો છે. જેમાં લોન આપવામાં નીતિ-નિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે જો બેન્કના શાસકો સત્ય છૂપાવવા ન માંગતા હોય તો તપાસનીશ અધિકારીઓના આ અહેવાલની નકલ મીડીયા સમક્ષ રજૂ કરે એવી અમારી માંગણી છે. રિઝર્વ બેન્કના નામે કલીનચીટ મળ્યાનો દાવો કરતા બેન્કના સતાધીશો બેન્કને મળેલી કહેવાતી કલીનચીટનો સમગ્ર રીપોર્ટ જાહેર કરે એવી પણ અમારી માંગણી છે. રિઝર્વ બેન્કના નામે સભાસદો અને બેન્ક સાથે સંકળાયેલા લાખો થાપણદારો, ખાતાધારકોને વગેરેને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહેલા સતાધીશો અમારા આ નિવેદનને ગંભીરતાથી લઇ જવાબ આપે.મુંબઈ સ્થિત કાલબાદેવી શાખાના 25 ખાતામાં થયેલી છેતરપીંડી, લોનના લાભાર્થીઓના નામ સહિત છેતરપીંડીના વર્ણન સાથે જાહેર કરવા અમારી તૈયારી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, અમે માત્ર બેન્કના હિત માટે સ્વ.અરવિંદભાઈ મણીયાર, સ્વ. લાલજીભાઇ રાજદેવ, વજુભાઈ વાળા, સ્વ. ચંદ્રકાંતભાઈ પાવાગઢી સહિતના અનેક સહકારી અગ્રણીઓએ અથાગ પરિશ્રમ કરી આ બેન્કને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક પરસેવો વહાવીને પ્રયાસ કરેલ છે, તેને ડાઘ લાગવા દેવા માંગતા નથી.આ સત્ય ઉજાગર કરવા માટેની લડાઈ છે. બેન્ક સાથે છેતરપીંડી કરનારને યોગ્ય સજા કરાવવાની લડાઈ છે. બેન્કની ચિંતા કરનારા નાગરીક બેન્ક પરીવારના જ સભ્યો છીએ અને બેન્કના હિત માટે બેન્કને થતું નુકશાન અટકાવવા માટે અને લાખો નાના ડીપોઝીટરના નાણાંની સુરક્ષા માટે આ અભિયાન શરૂ કરેલ છે.