News Updates
RAJKOT

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Spread the love

સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ચેરમેન એમ. વેંકટેશન આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આયોગના ચેરમેનએ યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી સફાઈ કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ સાથે તંત્રના સંબંધિત અધિકારીઓ પાસેથી આ પ્રશ્નો બાબતે લેવાયેલા પગલાંની વિગતો પણ જાણી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારીઓની ભરતી, સુવિધા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા.

531 સફાઈ કર્મીઓની ભરતીની પ્રક્રિયા શરૂ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફથી આયોગને જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરમાં ટુંક સમયમાં જ 531 સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે અલાયદો અદ્યતન કમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. જેની ક્ષમતા એક સાથે ચાર-પાંચ લગ્નો થઈ શકે એટલી હશે. આના માટે બજેટમાં જોગવાઈ પણ કરી દેવામાં આવી છે.

ચેરમેને કર્મીઓના વેતન વિશે માહિતી લીધી
આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને નિયમિત દર મહિને વેતન મળી જાય તે માટે કોન્ટ્રાક્ટર માટે ટેન્ડરની શરતોમાં બદલાવ કરવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓને લઘુતમ વેતન મળે તે નિશ્ચિત કરવામાં આવ્યું હતું. આયોગના ચેરમેનએ રાજકોટ મહાનગર, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતની નગરપાલિકાઓના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે વાત કરીને તેમને અપાતા પી.એફ., વીમા કવચ, અન્ય સુવિધા સહિતની વિગતો જાણી હતી. જેમાં મહિલા સહિતના વિવિધ સફાઈ કર્મચારીઓએ તેમને પૂરતી સુવિધા અપાતી હોવાનું જણાવ્યું હતું.

સફાઈ કર્મીઓના વીમાની વાત કરી
આ તકે રાજકોટમાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચરે સફાઈ કર્મચારીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત અપાયેલા લાભોની વિગતો રજૂ કરી હતી. આયોગના ચેરમેનએ સફાઈ કર્મચારીઓ માટે વીમાની રકમ 5 લાખની કરવા, વર્ષમાં એકવાર ફુલ લેન્થ મેડિકલ ચેકઅપ કરવા, મહિલા સેલ સક્રિય રાખવા સહિતના વિવિધ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું
આ બેઠકમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા નગરપાલિકાઓના ઇન્ચાર્જ કમિશનર સ્વપ્નિલ ખરે, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, રાજકોટ ઝોન 1 નાયબ પોલીસ અધિક્ષક સજ્જનસિંહ પરમાર, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, અધિક કલેક્ટર ઈલાબહેન ચૌહાણ, મહાનગરપાલિકા ના અધિકારીઓ, શ્રમ વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓના વિવિધ યુનિયનના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા.


Spread the love

Related posts

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates

હીરાસર એરપોર્ટમાં અપૂરતી સુવિધાથી વિવાદ:એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ થઈ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડ ન પડતઃ રાજકોટ ઓથોરિટીએ સ્વીકાર્યું

Team News Updates

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું, તપાસ કરી તો ખબર પડી કે શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાયેલો હતો; દૂરબીનથી કઢાયો

Team News Updates