RBIએ 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાનું નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારથી ગુલાબી નોટ વટાવવા લોકો પેટ્રોલપંપ જઈ 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે અને 2000ની નોટ આપે છે. એનો રસ્તો કેટલાક પેટ્રોલપંપ સંચાલકોએ શોધી લીધો છે. અમુક પેટ્રોલપંપ પર પાટિયાં લગાવી દેવાયાં છે, જેમાં 2000ની નોટ સ્વીકારવાની શરતો લખી છે. પારકી પંચાતમાં AMC સાથે જોડાયેલી બે ઘટના. હંમેશની જેમ કોર્પોરેશને રોડ બનાવી લીધા પછી યાદ આવ્યું કે ગટરની લાઈન નાખવાનું તો ભૂલી જ ગયા, હવે નવો રોડ ખોદતા લોકોમાં રોષ છે અને તરેહ-તરેહની વાતો કરી રહ્યા છે. તો AMCના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેને મોંઘો વ્હાઈટ ટોપિંગ રોડ મુખ્ય માર્ગના બદલે પોતાની સોસાયટીમાં બનાવડાવી દેતાં વિવાદમાં ફસાયા છે. તેમણે જશ ખાટવા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દીધી હતી, જોકે એ જ પોસ્ટના કારણે તેમની મુસીબતો વધી ગઈ. આ સિવાય સુખરામ રાઠવા વર્ષોથી કોંગ્રેસમાં છે, આગળ પણ કોંગ્રેસમાં જ રહેવાના છે એવો વિશ્વાસ અપાવી રહ્યા છે તોય અમુક સવાલો તેમનો પીછો નથી છોડતા. ફરી વાતો ઊડી કે સુખરામ રાઠવા ભાજપમાં જશે…હવે આ અફવા મુદ્દે સ્પષ્ટતા આપી સુખરામભાઈ કંટાળી ગયા હોય એવી ચર્ચા છે.