આજે 14 ફેબ્રુઆરી એટલે યુવાધન ખાસ કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતું હોય છે, પરંતુ આજ દિવસને યાદગાર અને કોઈની મદદ માટે ઉપયોગમાં લેવાય તો કઇક અલગ જ મજા આવતી હોય છે. છેલ્લા 5 વર્ષથી વડોદરાની મહિલા પ્રીતિ રૂચવાણી આજના દિવસને રોટી ડે તરીકે ઉજવે છે. સ્લમ વિસ્તારના બાળકોને રોટલી સાથે ભરપેટ ભોજન ખવડાવી આ દિવસની ઉજવણી કરે છે. તેઓ આમ તો દર અઠવાડિયે રવિવારે હેપ્પી સન્ડે તરીકે ઉજવે છે અને આ સ્લમ વિસ્તારોના બાળકોની ઈચ્છા પ્રમાણેનું ભોજન આપતા રહે છે, પરંતુ આજના વિશેષ દિવસે પણ તેઓ વેલેન્ટાઈન ડે નહીં, પરંતુ રોટી ડે તરીકે ઉજવી કોઈ બાળક ભૂખ્યું ન સુવે અને મદદ મળે તેવી ભાવના દર્શાવે છે.
ભગવાનની મરજી હોય તો હું આખા વડોદરાને ખવડાવી શકું
આ અંગે પ્રીતિબેને રૂચવાણીએ જણાવ્યું હતું કે, એક મેં વાક્ય વાંચ્યું હતું કે ‘કાશ એક રોટી ડે હોતા તો કોઈ બચ્ચા ભુખા નહીં સોતા’ આ બાબત હંમેશા મને પ્રેરણા આપે છે. હું વર્ષ 2019થી રોટી ડેની ઉજવણી કરું છું. આજે વેલેન્ટાઈન ડે છે અને આજના દિવસે મારા એરિયાનું કોઈ બાળક ભૂખ્યું ના સુઈ શકે. ભગવાનની મરજી હોય તો હું આખા વડોદરાને ખવડાવી શકું છું, પરંતુ હું કોઈ ટ્રસ્ટ નથી ચલાવતી અને જે કંઈ પણ કરું છું તે બધું મારા હિસાબથી કરું છું. મારા ઘરના સપોર્ટથી કરું છું.
‘મારા જેવી અન્ય કોઈ પ્રીતિ તૈયાર થાય તો સારું’
વધુમાં જણાવ્યું હતું કે, હું કાયમ એવું કહું છું કે, મારા જેવી અન્ય કોઈ પ્રીતિ તૈયાર થાય અને પોતાના વિસ્તારમાં આવા બાળકોને ભોજન કરાવે તો કોઈ ભૂખ્યું ન સુવે. વર્ષ 2019થી હું આજના દિવસે રોટી ડેની ઉજવણી કરી અહીંના ત્રણ વિસ્તારો ખોડીયારનગર, રાજીવનગર અને ઓલ્ડ આરટીઓનું સ્લમ એરિયા છે. જેમાં 200થી 300 બાળકોને સારી રીતે આજના દિવસે ભરપેટ ભોજન કરાવ્યું છે.
‘પાંચ વર્ષથી આ હેપ્પી સન્ડે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે’
વધુમાં કહ્યું કે, દર રવિવારે હું મારા ગુરુજીની પ્રેરણાથી હેપ્પી સન્ડેની ઉજવણી કરું છું. એમાં પણ ખૂબ જ સારી રીતે બાળકોને ભરપેટ ભોજન આપવામાં આવે છે. મિલ્ક ડ્રાઇવ, ફ્રુટ ડ્રાઈવ જે અંતર્ગત પોષણ મળે એવું ઘરકા ખાના આ મારું અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સારા ફળ ફ્રુટ અને સારું પોષણ મળી રહે તે બાબતે ધ્યાન રાખીને બાળકોને ખવડાવવામાં આવે છે. આ પાંચ વર્ષથી આ હેપ્પી સન્ડે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ બધા જ બાળકો મારી સામે જ મોટા થયા છે. આ બાળકો મજુર વર્ગના હોવાથી તેઓ સ્કૂલમાં જતા નથી. એટલે તેઓ મારા એજ્યુકેશનમાં ભણે છે. તેઓને ત્રણ શિક્ષિકાઓ હું મારા પગારથી રાખી અને આવા બાળકોને શિક્ષણ આપું છું. સાથે જ તેઓને કઈ રીતે રહેવું, શું કરવું તે બાબતે પણ નોલેજ આપવામાં આવે છે.
‘100 જેટલા બાળકો હાલમાં ફ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે’
વધુમાં જણાવ્યું કે, આવા બાળકો મોટા થઈને કમસેકમ પોતાની સહી કરી શકે, ડિસિપ્લિનમાં રહી શકે અને પોતે પોતાની રીતે યોગ્ય વર્તન કરી શકે તે માટે પ્રાર્થના જેવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે. આ સાથે આવા બાળકોને વાર તહેવારને કઈ રીતે ઉજવી શકાય તે અંગેનું જ્ઞાન પણ આપવામાં આવે છે અને સાથે ઉજવણી પણ કરવામાં આવે છે. હાલમાં મારી પાસે બે એજ્યુકેશન સેન્ટર છે. જેમાં રોજે રોજ 100 જેટલા બાળકો હાલમાં ફ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે. મારી દીકરી પણ નાની હતી અને ખૂબ જ તકલીફોથી નીકળી રહી હતી. ત્યારે મેં વિચાર્યું હતું કે, હું એક બાળકની માતા નહીં, પરંતુ 300 બાળકોની માતા છું અને આ કાર્ય કરી રહી છું.