30 મિનિટમાં વરસાદે જામનગરને કર્યું પાણી પાણી

0
427

જિલ્લાના 6 પૈકી પાંચ તાલુકામાં મૌસમનો 100 ટકાથી વધુ વરસાદ : જામજોધપુરના પરડવા બન્યું ચેરાપુંજી, કુલ 65 ઇંચ

જામનગર શહેરમાં આજે બપોરે ઝમાઝમ એક ઇંચ વરસાદ વરસ્યો હતો. માત્ર અડધો કલાકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જામનગર ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે પોણા ઇંચ સુધીનો હળવો વરસાદ વરસ્યો હતો. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગરમાં 23 મી.મી., કાલાવડમાં 20, ધ્રોલ 17, જોડિયા 08, લાલપુર 10 અને જામજોધપુરમાં 03 મી.મી. પાણી વરસ્યુ હતું. આ સાથે જ જિલ્લાના કુલ 6 તાલુકાઓ પૈકી જામનગરને બાદ કરતા બાકીના તમામ તાલુકાઓમાં મૌસમનો કુલ વરસાદ 100 ટકાથી વધુ વરસી ગયો છે. જેમાં કાલાવડમાં તો મૌસમનો કુલ વરસાદ 200 ટકાને આંબવા આવ્યો છે. જ્યારે જામજોધપુરમાં પણ 176 ટકા વરસાદ વરસી ચુક્યો છે. એક માત્ર જામનગરમાં જ ઓછો કહી શકાય તેવો મૌસમનો 92 ટકા જ વરસાદ વરસી ગયો છે. જિલ્લાના 6 પૈકી બે તાલુકામાં તો કુલ વરસાદ 1000 મી.મી.ને પાર કરી ગયો છે.

સતત બીજા વર્ષે જામનગર જિલ્લામાં ચોમાસું ભરપૂર રહ્યું ગત વર્ષે પણ જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ સરેરાશ 188 ટકા નોંધાયો હતો. જ્યારે આ વર્ષે પણ કુલ વરસાદ 120 ટકાને પાર કરી ગયો છે. જિલ્લાના જળાશયો પણ પાણીથી તરબતર જો કે કોઇ-કોઇ જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થોડું ઘણું નુકશાન પણ થયું છે. ખાસ કરીને જામજોધપુર અને કાલાવડ તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જામજોધપુરનું પરડવા ગામ જિલ્લાનું ચેરાપુંજી બની રહ્યું હોય તેમ અહીં અત્યાર સુધીમાં મૌસમનો કુલ વરસાદ 1622 મી.મી. એટલે કે 65 ઇંચ જેટલો ખાબકી ચુક્યો છે. બીજી તરફ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જોડિયા તાલુકાના આજી-4 ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવતા તાલુકાના 10 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

અહેવાલ :-સાગર સંઘાણી,જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here