સુપ્રીમ કોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો, કહ્યું- મહારાષ્ટ્ર સરકાર આને પડકારી શકે નહીં, પટનામાં કરેલી FIR યોગ્ય હતી

0
345

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBI કરશે. સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું.

રિયા તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન તથા બિહાર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહ હતા. સુશાંતના પિતા તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ તથા મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવી હતા. આ કેસમાં CBI, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તથા બિહાર સરકાર પણ પક્ષકાર હતા. તમામે 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને લેખિતમાં જવાબ આપ્યો હતો.

અપડેટ

 • બહેન શ્વેતાએ સુપ્રીમના નિર્ણય બાદ બે ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં શ્વેતાએ કહ્યું હતું કે અંતે, એસએએસઆર કેસની તપાસ CBI કરશે. બીજી ટ્વીટમાં શ્વેતાએ કહ્યું હતું, ભગવાનનો આભાર. તમે અમારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો પણ આ તો હજી શરૂઆત છે. સત્ય તરફનું પહેલું પડગલું છે. CBIમાં પૂરો વિશ્વાસ છે.
 • મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે પછી નક્કી કરીશું કે આગળ શું કરવાનું છે
 • સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ ટ્વીટ કરીને કહ્યું, રાહ જોઈ રહ્યાં છીએ.
 • બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે આખો દેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. આ કેસમાં શરૂઆતથી જ વિશ્વાસ રહ્યો છે કે સુશાંતને ન્યાય મળશે.
 • બિહાર સરકારમાં મંત્રી તથા JDU નેતા સંજય ઝાએ કહ્યું હતું કે લાગે છે કે મુંબઈ પોલીસ કેસ બંધ કરવાના પ્રયાસમાં છે. સુશાંતના પરિવાર તરફથી FIR થયા બાદ ગંભીરતાથી તપાસ શરૂ થઈ છે. અમે સુશાંતના પરિવારને ન્યાય અપાવીશું.
 • સુપ્રીમના નિર્ણય પહેલા બહેને આ વાત કહી. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ગીતાનો એક શ્લોક શૅર કરીને મહાભારતની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. શરણાગતિ.

કેસ ટ્રાન્સફર કેસમાં કોણે શું જવાબ આપ્યો હતો?
બિહાર સરકારે આ વાત કહી હતી
બિહાર સરકારે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રાજકીય પ્રભાવને કારણે મુંબઈ પોલીસે એક્ટર સુશાંત મોત કેસમાં FIR પણ નોંધી નહોતી અને આ સાથે જ તે કેસમાં બિહાર પોલીસને કોઈ મદદ કરી નહોતી.

કેન્દ્ર સરકારનો પક્ષ
કેન્દ્ર સકારે CBI અને ED આ કેસની તપાસ કરે તે માટે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી માગી છે. કેન્દ્ર સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે બિહાર સરકારે કરેલી ભલામણને આધારે CBI એ FIR નોંધી છે.

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનો પક્ષ
રિયાએ લેખિતમાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે પટનામાં FIRને ઝીરો FIR માનવામાં આવે અને આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરી દેવો જોઈએ. આ સાથએ જ રિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે સુશાંતના પિતા તેની પર
યાવિહોણા આક્ષેપો મૂકી રહ્યા છે. આ કેસને અધિકાર ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનને સોંપવો જોઈએ. રિયાએ એમ પણ કહ્યું હતું કે બિહારમાં તપાસ થાય તે પૂરી રીતે નિયમની વિરુદ્ધ છે.

સુશાંતના પિતાની દલીલ
સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રિયાએ પહેલા જ આ કેસ સાથે જોડાયેલા પુરાવાઓને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું છે અને CBI તપાસમાં પણ યુ-ટર્ન લીધો છે. કે કે સિંહના વકીલે દલીલ કરી છે કે રિયાએ પહેલા આ કેસમાં CBI તપાસની માગણી કરી હતી પરંતુ હવે તે કેમ આની વિરુદ્ધમાં છે?

કેન્દ્રે કહ્યું, CBI તપાસ માટે યોગ્ય કેસ
કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ કેસ CBI તપાસ માટે આ બિલકુલ યોગ્ય છે. મહેતાએ સવાલ કર્યો હતો કે મુંબઈ પોલીસે 56 લોકોને કેવી રીતે પૂછપરછ માટે બોલાવ્યા અને તેમના નિવેદન લીધા, કારણ કે તેઓ પૂછરપછની કાર્યવાહી હેઠળ આમ કરી શકે નહીં. તેમણે કોર્ટને કહ્યું હતું કે મુંબઈ પોલીસે ક્યારેય તપાસ માટે FIR કરી નહોતી. મહેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે EDએ પહેલા જ તપાસ શરૂ કરી દીધી છે અને એક કેન્દ્રીય એજન્સીએ કેસ દાખલ કર્યો પછી બીજી કેન્દ્રીય એજન્સી (CBI) પણ આ કેસમાં સામેલ થવી જોઈએ.

સુશાંત સિંહ કેસમાં અત્યાર સુધી શું બન્યું?

 • 14 જૂનના રોજ સુશાંત સિંહે પોતાના બાંદ્રા સ્થિત માઉન્ટ બ્લૉકના અપાર્ટમેન્ટમાં ગળેફાંસો લગાવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ ગણાવીને તપાસ શરૂ કરી હતી.
 • 25 જુલાઈના રોજ સુશાંતના પિતા કે કે સિંહે દીકરાના મોતના 38 દિવસ બાદ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી સહિત છ લોકો વિરુદ્ધ FIR કરી હતી. રિયા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો તથા 15 કરોડની હેરાફેરીનો આક્ષેપ મૂક્યો હતો.
 • 29 જુલાઈના રોજ FIRના જવાબમાં રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પટનામાં નોંધાયેલો કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે.
 • 2 ઓગસ્ટના રોજ પટનાના SP વિનય તિવારી તપાસ અર્થે મુંબઈ આવ્યા હતા. તેમની ચાર મેમ્બર્સની ટીમ પહેલા જ મુંબઈ આવી ગઈ હતી. જોકે, SPની ક્વૉરન્ટીનના નામ પર અટકાયત કરવામાં આવી હતી.
 • 7 ઓગસ્ટના રોજ રિયા ચક્રવર્તી EDની ઓફિસ આવી હતી. ટીમે રિયા, ભાઈ શોવિક, પિતા ઈન્દ્રજીત તથા સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી.
 • 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રિયાની અરજી પર સુનાવણી કરી હતી. આ પહેલા રિયાએ મીડિયા ટ્રાયલને ખોટી ગણાવીને સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી કરી હતી.
 • 13 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારો (કેન્દ્ર, બિહાર પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, રિયા તથા સુશાંતના પિતા)ને પોતાની દલીલો લેખિતમાં જમા કરાવવાનું કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે બે અરજી ફગાવી દીધી છે
સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસમાં બે અરજી ફગાવી દીધી હતી, આમાંથી એક અરજી અલકા પ્રિયા નામની મહિલાએ કરી હતી. આ અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અધિકાર ક્ષેત્રની બાબત છે અને તમે બોમ્બે હાઈકોર્ટ જઈ શકો છો. તો એક કાયદાના વિદ્યાર્થીએ CBI અને NIAની તપાસની માગણી કરતી અરજી કરી હતી. આ અરજી પર CJI એસ એ બોબડેએ સવાલ કર્યો હતો કે તું કોણ છે? ખંડપીઠે કહ્યું હતું કે અજાણી વ્યક્તિ થઈને તું આ કેસમાં કારણ વગરનો હસ્તક્ષેપ કરે છે. આ કેસને સુશાંતના પિતા લડી રહ્યા છે. તારી અરજી ફગાવી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here