News Updates
RAJKOTSAURASHTRA

સરકારને તલાટીની પરીક્ષાનો પડકાર:ઉમેદવારોની અંગજડતી લીધા પછી જ પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી, હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન સિવાયની વસ્તુઓ અંદર લઈ જવા પર પ્રતિબંધ

Spread the love

આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા છે. બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા લેવાનાર છે. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષા છે ત્યારે 8.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદમાં પણ પરીક્ષાને લઈને ઉમેદવારો કેન્દ્ર પર પહોંચ્યા છે. ઉમેદવારોને ફ્રિસન્કિંગ કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા માત્ર પહોંચ્યા છે. 12:30 વાગે પરીક્ષા શરૂ થશે. ત્યારે ઉમેદવારોને ફ્રિસન્કિંગ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે. હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન સિવાયની વસ્તુઓ અંદર લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ બૂટ-ચપ્પલ પણ બહાર ઉતારવામાં આવી રહ્યા છે.

બૂટ-ચપ્પલ અને મોજા બહાર ઉતારવામાં આવ્યા
પરીક્ષાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે આવ્યા ત્યારે તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમાં કડક ચેકિંગ કરી અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જમાલપુરની એફડી હાઇસ્કૂલમાં જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તેમા જે ઉમેદવારોએ શૂઝ પહેર્યા હતા તેઓને શૂઝ અને મોજા પોલીસે કઢાવ્યા હતા અને ત્યારબાદ ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

અમદાવાદમાં 400 કેન્દ્ર પર પરીક્ષા
અમદાવાદ ડીસીપી કન્ટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આજે 400થી વધુ કેન્દ્ર પર તલાટી કમ મંત્રીની પરીક્ષા છે. જેમાં 1,50,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે, જે માટે અમદાવાદ પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી છે અને કોઈ પણ વિદ્યાર્થીને અગવડ ન પડે તે માટે પોલીસ સતત ખડેપગે સેન્ટરની આસપાસ તૈનાત છે.

મહિલા ઉમેદવારોને 50 કિમી અંદર પરીક્ષા કેન્દ્ર આપવું જોઈએ
પરીક્ષા કેન્દ્રો પર જો પરીક્ષાર્થી શંકાસ્પદ લાગશે તો તેને પરીક્ષા આપવા દેવામાં આવશે, પરંતુ પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષા કેન્દ્રમાં જ તેની પૂછપરછ કરાશે. તેમજ ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પહેરી શકશે, પરંતુ ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ અંદર લઈ જઈ શકશે નહીં. પરીક્ષાર્થીઓ હાલ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો બહાર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં એક વાલીએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલા ઉમેદવારોને 50 કિમી અંદર પરીક્ષા કેન્દ્ર આપવું જોઈએ. જ્યારે પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે, આજે પેપર ન ફૂટે તો સારું.

શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તો સારું
વડોદરાથી સુરત પરીક્ષા આપવા આવનાર પરીક્ષાથી હાર્દિકે જણાવ્યું હતું કે, ઘણા સમયથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. તલાટીની પરીક્ષા માટે પણ તૈયારી પૂર્ણ કરી લીધી છે. આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે શાંતિપૂર્ણ રીતે અમારી પરીક્ષા પૂર્ણ થાય તો સારું. રાજ્ય સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં અત્યારસુધી કોઈ ઉણપ દેખાતી નથી.

સુરત એસટી બસસ્ટેન્ડ પર ઉમેદવારોનો ધસારો
સુરતમાં 74,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેને લઈને રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ સુરત આવતા સુરત બસ સ્ટેન્ડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો હતો. સુરત શહેરમાં આજે તલાટીની પરીક્ષા આપવા માટે રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતમાં 216 કેન્દ્ર પર પરીક્ષા આપવા આપવા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે 2498 વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા થઈ છે.

ખાનગી સ્કૂલોને ઉમેદવાર દીઠ જગ્યાના ભાડારૂપે રૂ. 3 ચૂકવાશે
પંચાયત સેવા પસંદગી મંડળ ખાનગી સ્કૂલોને ઉમેદવાર દીઠ જગ્યાના ભાડારૂપે રૂ. 3 ચૂકવશે, જ્યારે ઉમેદવાર દીઠ બેઠક નંબર લખવા માટે સંચાલકને 10 પૈસા અને સ્ટેશનરીના ખર્ચ માટે 20 પૈસા ચૂકવશે. જો ઉમેદવારો ગેરહાજર રહેશે તો સંચાલકો ગેરહાજર ઉમેદવારોની સંખ્યાને બાદ કરીને રકમ મંડળને પરત કરવાની રહેશે.બીજી તરફ યુપીએસસી ઉમેદવારદીઠ રૂ.20નો ખર્ચ કરે છે.હાલમાં મોટા ભાગે પૈસાની ગણતરી રૂપિયામાં થાય છે, જ્યારે પંચાયત સેવા પસંદગી મંડળ સંચાલકોને પૈસાની ગણતરી પ્રમાણે વેતન ચુકવણી કરે છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે પરીક્ષામાં કોઈ ફાયદો નથી, પરંતુ શિક્ષણ વિભાગમાં સંબંધો સાચવવા માટે જાહેર પરીક્ષાનાં કેન્દ્રો સ્વીકારીએ છીએ.

કર્મચારીઓએ ત્રણ કલાક પહેલાં મોબાઇલ, ગેજેટ જમા કરાવવા પડશે
પરીક્ષા અધિકારીઓએ તેમના ઇલેક્ટ્રિક ગેજેટ પરીક્ષાના ત્રણ કલાક પહેલાં જમા કરાવવાના રહેશે. પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષાનું તમામ મટીરિયલ સીલ પેક મોકલી દેવાયા બાદ જ કેન્દ્ર સંચાલક પાસેથી તેઓ પોતાના મોબાઇલ, ગેજેટ લઈ શકશે. પરીક્ષામાં પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા જણાવાયું છે. પરંતુ જો કેમેરા પૂરતા ન હોય તો એવા કેમેરાનો જ ઉપયોગ થઇ શકશે કે જેની મેમરી ઇનબિલ્ટ હોય. એટલે કે તેની મેમરી કોઇ પણ રીતે બદલી શકાય તેમ ન હોવી જોઇએ.

સ્કૂલ બહાર જ મંડપ બાંધીને ઉમેદવારોની ચકાસણી થશે
પહેલીવાર ઉમેદવારોની ચકાસણી સ્કૂલની બહાર જ થશે. આ માટે દરેક સ્કૂલોની બહાર મંડપ અથવા ચકાસણી માટેની વ્યવસ્થા કરાશે. મંડળ આ માટે સંચાલકોએ વધારાના 1 હજાર ચૂકવશે. પરીક્ષા કેન્દ્રની બહાર જ ચકાસણી થયા બાદ પ્રવેશ મેળવશે.

પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ SOP પણ બનાવાઈ
તલાટીની પરીક્ષા 3400થી વધુ જગ્યાઓ માટે લેવાવાની છે, જેમાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ કોઈ ગેરરીતિ ન થાય

અને પેપર લીકની ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખી રહ્યું છે. પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ SOP પણ બનાવાઈ છે. જુનિયર કલાર્કની પરીક્ષાની જેમ તલાટીની પરીક્ષાને લઈને પણ પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત અને પરીક્ષાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી આવતા ઉમેદવારો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાર પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરાયો
ચાર પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થયો છે. જેમાં વિસનગરનું પુદગામનું પરીક્ષા કેન્દ્ર છે પણ તેનું બીજું સેન્ટર એ જ ગામમાં છે. એક સેન્ટરથી બીજું સેન્ટર 200 મીટર જ દૂર છે. સુરતની અંદર એક શાળાનું નામ ભૂલથી ખોટું લખાયું હતું તેની પણ ઉમેદવારોને જાણ કરવામાં આવી છે. વડોદરામાં એક સેન્ટર બદલવામાં આવ્યું છે ત્યાં પણ વાહનની વ્યવસ્થા રાખી છે. વડોદરાની અંદર પારુલ યુનિવર્સિટીનું સેન્ટર શહેરથી દૂર છે તો ખાસ બસોની વ્યવસ્થા રાખી છે.

ઉમેદવારોએ બૂટ-ચંપલ બહાર મૂકવાનાં રહેશે
પરીક્ષામાં વીડિયોગ્રાફી અને પોલીસ પણ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. ઉમેદવારોનાં ઓળખકાર્ડ, કોલલેટર ચેક કરવામાં આવશે. ઉમેદવારોનાં બૂટ-ચંપલ કાઢીને ચેકિંગ કરવામાં આવશે. ઉમેદવારોનાં બૂટ-ચંપલ પણ પરીક્ષા કેન્દ્રની બહાર જ મૂકવામાં આવશે. બપોરે 1.30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે ઉમેદવારો પોતાનો વર્ગખંડ છોડી શકશે નહીં. વર્ગખંડમાં જ ઉમેદવારોને પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે. વિકલાંગ ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તેમને તેના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના ઉમેદવારોને કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈનમાં સંપર્ક કરી શકશે.

ટ્રેન-બસની વ્યવસ્થા
રેલવેએ વધારાની નવ ટ્રેન શરૂ કરી છે. આ ઉપરાંત જીએસઆરટીસી દ્વારા પણ જેમ જેમ ઓનલાઇન બસો ભરાતી જાય તેમ તેમ નવી બસો મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 619 બસો મૂકી છે. જેમાં 17.50 હજાર જેટલા લોકોએ બુકિંગ કર્યુ છે. ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકે છે. તે માટે તેમને રોકવામાં આવે તો તેઓ પોતાનો કોલલેટર બતાવી શકે છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવાની છૂટ નથી. ઉમેદવારો વાહન લઇને આવ્યા હોય તો તેની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે નહીં.

વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે
આજે સાબરમતીથી પાલનપુર અને પાલનપુરથી સાબરમતી વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી સવારે સાડાચાર વાગ્યે ટ્રેન ઊપડશે, જે મહેસાણા થઈ પાલનપુર સવારે 07:10 વાગ્યે પહોંચશે. પાલનપુરથી સાબરમતી આવવા માટે સાંજે 4:30 વાગ્યે પાલનપુરથી ટ્રેન ઊપડશે, જે મહેસાણા થઈને સાબરમતી સાંજે 07:00 વાગ્યે પહોંચશે.

09:15 વાગ્યે ગાંધીગ્રામ ખાતે પહોંચશે
ભાવનગરથી અમદાવાદ આવવા માટે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સુધીની ટ્રેન મૂકવામાં આવી છે. ભાવનગરથી સવારે 4.50 વાગ્યે ટ્રેન ઊપડશે, જે ધોળકા અને બોટાદ થઈ સવારે 09:15 વાગ્યે ગાંધીગ્રામ ખાતે પહોંચશે. રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનોના તમામ કોચ જનરલ કોચ હશે. રાજકોટ-દ્વારકા-રાજકોટ માટે રાજકોટથી સવારે 06:30 કલાકે ઊપડશે અને સવારે 10:45 વાગ્યે દ્વારકા પહોંચશે. જ્યારે આ ટ્રેન દ્વારકાથી બપોરના 02:50 વાગ્યે ઊપડશે અને 06:40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આવતા અને જતા સમયે હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઊભી રહેશે.

વાંકાનેર સ્ટેશન ટ્રેન પર ઊભી રહેશે
જ્યારે ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04:10 વાગ્યે ઊપડશે અને સવારે 08:50 વાગ્યે રાજકોટ પહોંચશે. એવી જ રીતે રાજકોટથી સાંજે 04:45 વાગ્યે ઊપડશે અને રાત્રે 09:40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સહિતનાં સ્ટેશનો પર ઊભી રહેશે.

08:30 વાગ્યે રાજકોટ પહોંચશે
રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન રાજકોટથી સવારે 04:15 વાગ્યે ઊપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે 09.25 વાગ્યે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 03:30 વાગ્યે ઊપડશે અને 08:30 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર સ્ટેશન પર ઊભી રહેશે.

બધી જવાબદારી IPS હસમુખ પટેલના શીરે
આ વખતે તલાટીની પરીક્ષામાં મહત્ત્વની જવાબદારી હસમુખ પટેલના શીરે છે. અગાઉ પણ અનેક ચેલેન્જ સફળતાથી પાર કરી ચૂક્યા છે. દરેક શહેરની સુરક્ષા માટેની જવાબદારીથી શહેરના પોલીસ વડા અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓને કહેવામાં આવી છે. 8.50 લાખથી વધુ ઉમેદવારોનો આંકડો ગુજરાત રાજ્યનો સૌથી મોટો આંકડો બનવા જઈ રહ્યો છે. અત્યાર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષામાં એકસાથે આટલા બધા ઉમેદવાર હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે.


Spread the love

Related posts

ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના બે જ દિવસમાં વિવાદ શરૂ:ટેક્સી એસો.એ રાજકોટથી હીરાસર એરપોર્ટનું ટેક્સી ભાડું 2 હજાર નક્કી કર્યું, સામે TAFOIએ એસી કોચ બસ મૂકવા માગ કરી

Team News Updates

સરધારના સ્વામિનારાયણના નિત્યસ્વરૂપ સહિતના સંતોને મળી રાહત,ફરિયાદ સામે હાઇકોર્ટે આપ્યો સ્ટે

Team News Updates

સી.આર.પાટીલનું સૂત્ર ‘અબ કી બાર 400 પાર’:2024માં 26 સીટો તો જીતીશું સાથે-સાથે 5 લાખની જંગી લીડ પણ મેળવીશું, વિપક્ષને આડે હાથ લેતા 9 વર્ષનાં કામોના હિસાબ આપ્યા

Team News Updates