- જિલ્લા કચેરી પર હાલ એક જ ઓડિટર છે
- બેઠકમાં સભ્યોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને હાજરી આપી
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રિ-ઓડિટના પરિપત્રનો સભ્યોએ વિરોધ કર્યો હતો. જિલ્લા કચેરીએ એક જ ઓડિટર છે અને તેના પર 11 તાલુકા અને 800 જેટલી ગ્રામ પંચાયતોની જવાબદારી આવશે. જેથી સભ્ય ચંદુભાઈ શીંગાળાએ સામાન્ય સભામાં પરિપત્રનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તલાટી અને સરપંચોને ઓડિટ કરવામાં મુશ્કેલીઓ પડશે.
ગ્રામ્ય કક્ષાના ખર્ચને જિલ્લા કચેરીએ ઓડિટમાં મોકલવાના રહેશે
મહત્વનું છે કે જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશનરના પરિપત્ર અનુસાર આંતરિક ઓડિટમાં ફેરફારો કર્યા છે. અત્યાર સુધી જિલ્લા કચેરીની શાખાઓના વર્કઓર્ડર પ્રિ-ઓડિટ માટે આવતા હતા. તાલુકા કે ગ્રામ્ય કક્ષાના આવતા ન હતા. જેમાં ફેરફાર કરાયો છે. જે મુજબ ગ્રામ્ય કક્ષાએ જે ખર્ચ થયા છે તે બિલ તાલુકા કક્ષા અને ત્યાંથી જિલ્લા કચેરીએ ઓડિટમાં મોકલવાના રહેશે. જિલ્લા કચેરીએ હાલ માત્ર એક જ ઓડિટર છે અને તેની ઉપર 11 તાલુકા અને 800 જેટલી ગ્રામપંચાયતોની જવાબદારી આવશે. આ ઉપરાંત વહીવટી કામમાં ઘણી અગવડતા પડશે તેવું સભ્યો જણાવી રહ્યા છે. આ કારણે પરિપત્ર થોડા સમય પૂરતો મુલતવી રાખવા બંને પક્ષના સભ્યોએ રજૂઆત કરી હતી.
ચૂંટાયેલા સભ્યો પૈકી 3 સભ્યને કોરોના પોઝિટિવ
સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યો પૈકી 3 સભ્યને કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ એક સભ્યના પતિનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જેથી આ સભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા. જેથી સામાન્ય સભા ટૂંકમાં જ પતાવી દેવામાં આવી હતી. મહત્વનું છે આ બેઠકમાં સભ્યોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને હાજરી આપી હતી.