- સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં રોજ 100 ઉપર કેસની સંખ્યા નોંધાય રહી છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 6 હજારને પાર કરી 6088 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 972 દર્દી સારવાર હેઠળ છે. 300થી વધુ દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે. ગઈકાલે મંગળવારે રાજકોટમાં 108 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં કોરોનાના 6ઠ્ઠા મૃતદેહની ઓટોપ્સી કરાઈ
કોરોનાની હજુ સુધી કોઈ વેક્સિન કે દવા શોધાઈ નથી અને રોગ એટલો ચેપી છે કે પોસ્ટમોર્ટમ કરીને રોગની અસરો જાણવા પણ મંજૂરી નથી. જો કે રાજ્યમાં એકમાત્ર રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવા મંજૂરી અપાઈ છે અને અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી થઈ ચૂકી છે, આટલું જોખમ લેવા પાછળનું કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરી સારવાર પદ્ધતિમાં સુધારો લાવવાનો છે.
રિસર્ચમાં ફેફસાં પથ્થર બની ગયાનું જાણવા મળ્યું
પરીક્ષણ મામલે ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં, જો કે એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે આ કારણે જ્યારે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું. ફાઈબ્રોસિસ તો ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે પણ એ ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે, સાચું કારણ તો રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.