- સોમવારે 103 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે
- સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા કરતા અડધા બેડ ખાલી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 6729 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને નજીક પહોંચી ગઈ છે. સોમવારે રાજકોટમાં 103 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. સિવિલમાં હાલ હોસ્પિટલની કુલ ક્ષમતા કરતા અડધા બેડ ખાલી છે.
લોકો હોમ આઈસોલેશનમાં રહેવાનું પસંદ કરે છે
રાજકોટમાં માત્ર કોવિડ જ કારણભૂત હોય તેવા 144નાં મોત થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. રાજકોટમાં સિવિલ કોવિડ હોસ્પિટલમાં 300 જેટલા દર્દી દાખલ છે જે કુલ ક્ષમતાના 50 ટકા છે. જે રીતે ધીરે ધીરે હોસ્પિટલાઈઝેશનની સંખ્યા ઘટતી હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે જેટલા પણ દાખલ છે તે બધામાંથી 95 ટકા ઓક્સિજન અથવા તો વેન્ટિલેટર પર છે. જે પણ નવા કેસ આવે છે તેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં રહેવાનું જ પસંદ કરે છે.
રાજકોટમાં 48 કલાકમાં 5 ઓટોપ્સી
રાજકોટમાં મૃતકોની ઓટોપ્સી શરૂ કરાઈ છે. રવિવારે એક જ દિવસમાં 3 તેમજ સોમવારે વધુ 2 સહિત 48 કલાકમાં 5 સાથે કુલ સંખ્યા 11 થઈ છે. આ ઓટોપ્સી અધ્યયન માટે ખૂબ જરૂરી છે અને તે માટે પરિવાર મંજૂરી આપે પછી જ કરી શકાતી હોવાથી વધુમાં વધુ પરિવારો આગળ આવે તેમ મેડિસિન વિભાગના વડા ડો. કયાડાએ જણાવ્યું છે.
પ્રથમ દિવસે 300થી વધુ એન્ટિજન કિટથી ટેસ્ટિંગ
રાજકોટ મહાનગરપાલિકાએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ ’ સૂત્ર મુજબ શહેરમાં જુદા જુદા 11 સ્થળ પર કોરોના ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે. ત્રિકોણબાગ ચોક ખાતે મેયરના હસ્તે કોરોના ટેસ્ટિંગ બૂથની શરૂઆત કરવામાં આવ્યું છે. આ બૂથ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી લોકોને વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરી આપશે. પ્રથમ દિવસે 300થી વધુ લોકોનું એન્ટિજન કિટથી ટેસ્ટિંગ કરી આપવામાં આવ્યું હતું.