સુરતના અઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને ત્રણ સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો. પોલીસે સગીરાનું પગેરૂ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરૂષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની નજીક ભાડે રહેતા 28 વર્ષીય મહંમદ જુનેદ મુસ્લિમ શેખ પ્લમ્બરિંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત 10 સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો. સગીરાનું અપહરણ થતાં વાલીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, બનાવની ગંભીરતા જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એએસઆઈ મિનાક્ષીબેન, હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ ભડિયાદરા સહિત સ્ટાફને બિહારના દરભંગા રવાના કર્યા હતા. જ્યાં પોલીસે દરભંગા નજીકના પાલી, ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. બંનેને લઈને સુરત પહોંચ્યા હતા. સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પૂછપરછ કરતાં ત્રણ સંતાનનો પિતા હોવાનું જણાવ્યું હતું. સગીરાને લગ્ન કરવાના ઇરાદે વતનમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.