દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક મહિલા પાઇલટ અને તેના પતિને ટોળાએ માર માર્યો હતો. દંપતી પર આરોપ છે કે તેણે 10 વર્ષની બાળકીને પોતાના ઘરમાં કામ કરવા માટે રાખી હતી. તેઓ તેને ટોર્ચર પણ કરતા હતા.
મામલાની માહિતી મળતાં પોલીસે સગીર યુવતીની મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં બાળકીના શરીર પર ઈજાના અને દાઝ્યાના ઘણા નિશાન જોવા મળ્યા છે.
દ્વારકાના ડીસીપી એમ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે દંપતી સામે આઈપીસી કલમ 323, 324, 342 અને બાળ મજૂરી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તે જ સમયે, બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
હાથ જોડીને માફી માગી, છતાં ઘોલાઈ થઈ
વીડિયોની શરૂઆતમાં ભીડ કપલ સાથે દલીલ કરતી જોવા મળે છે. મહિલા પાઇલટ હાથ જોડીને માફી માંગે છે. પરંતુ, થોડીવાર પછી ટોળાએ મહિલા પાયલટને બહાર કાઢી અને તેને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું. મહિલાનો પતિ તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટોળાએ તેને પણ માર માર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દંપતીએ બે મહિના પહેલા 10 વર્ષની છોકરીને ઘરના કામકાજ માટે રાખી હતી. બુધવારે છોકરીના એક સંબંધીએ તેના હાથ પર ઈજાના નિશાન જોયા હતા. આ પછી સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે તેઓ છોકરીને મારતા હતા અને કપલને ઢોર માર માર્યો.