સુરતમાં ઝાડા ઉલટીના કેસોનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હવે આ ઝાડા ઉલટીનો રોગ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ બે માસુમ બાળકોના ઝાડા ઉલટી થયા બાદ મોત નીપજ્યા છે. એક 7 વર્ષની બાળકી અને 4ની બાળકીનું મોત નિપજ્યું છે. છેલ્લા 4 દિવસમાં 10 વર્ષથી નાના 7 બાળકના મોત નિપજ્યા છે. પિતા કાળજાના કટકાને લઈ હોસ્પિટલ દોડે છે પણ જીવ બચતા નથી.
7 વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોત
સુરતના વેસુમાં આભવા ચોકડી ખાતે આવેલી અવધ એરફોલ નવનિર્મિત બિલ્ડિંગ ખાતે મજૂરી કામ કરી ત્યાં જ શ્રમજીવી પરિવાર રહે છે. 7 વર્ષીય બાળકી પાર્વતી રસિયાભાઈ ભુરીયા પરિવાર સાથે રહેતી હતી. પરિવાર બે મહિનાથી જ રોજગારી અર્થે મધ્યપ્રદેશથી સુરત આવ્યો છે. પરિવારમાં 3 દીકરી અને બે દીકરા છે. પિતાએ જણાવ્યું હતું કે, રાતે 1 વાગ્યે ઝાડા-ઊલટી શરૂ થયા હતા. થોડી રાહત થતાં સુવડાવી દીધી હતી. જો કે, સવારે ઊઠી જ ન હતી અને ત્યાં જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પાંડેસરામાં 4 વર્ષની બાળકીનું મોત
સુરતના પાંડેસરામાં ચીકુવાડીમાં રહેતા મોહનભાઈ ગાવીત (માસુમ તારાના પિતા)એ જણાવ્યું હતું કે, તેઓ મૂળ MPના રહેવાસી છે. એક મહિના પહેલા જ સુરત કામકાજની શોધમાં આવ્યા હતા. મજૂરી કરી પરિવાર સાથે પેટયું ભરતા હતા. આજે સવારે અચાનક તારાની તબિયત લથડી તો નજીકના મેડિકલ સ્ટોર પરથી દવા લાવી પીવડાવી હતી. ત્યારબાદ બપોરે 12:30 વાગે ફરી તાવ આવતા દવા પીવડાવી હતી. દરમિયાન તરાને શ્વાસ ચઢવા લાગ્યો હતો. દોડીને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. તારા પરિવારમાં મોટી દીકરી હતી.
ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું
આરોગ્ય અધિકારી ક્રિતિકા પટેલે જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારના ગણેશનગર બાપુનગર સૂર્યપ્રકાશ નગરની અંદર કેટલાક ઝાડા-ઉલટીના કેસો નોંધાયા બાદ અમારી ટીમ કામે લાગી ગઈ છે. મેડિકલ રિસ્પોન્સ ટીમ મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ અને સરવૈલાસ મળીને કુલ છ ટીમ કામ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં 27 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ડ્રેનેજ વિભાગ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને દૂષિત પાણી આવતું હોય તો તેના કારણે આ સમસ્યા વધુ સર્જાઈ શકે છે. મેડિકલ રિસ્પોન્સ ટીમ દ્વારા ઝાડા ઉલટીના જેટલા પણ કસો હોય તેને તાત્કાલિક શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
24 કલાકમાં જ ત્રણ બાળકના મોત
સુરતમાં પડી રહેલા ભારે વરસાદની સાથે સાથે રોગચાળો પણ વકરી રહ્યો છે. માસૂમ બાળકો રોગચાળાની ઝપેટમાં કાળનો કોળીયો બની રહ્યા છે. શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઝાડા-ઉલટીના કેસો બાળકો માટે જીવલેણ બની રહ્યા છે. સુરતમાં 24 કલાકમાં ત્રણ માસુમ બાળકોના ઝાડા ઉલટીને લઈ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા. શહેરમાં નાના બાળકોમાં વકરતા ઝાડા-ઉલટીના કેસો અને રોગચાળાના પ્રમાણને લઈ આરોગ્ય વિભાગની ચિંતા વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ડીંડોલીના બે વર્ષના રુદ્રાક્ષ અને પાંડેસારાના છ વર્ષના વિકાસનું મોત નીપજ્યું હતું. જ્યારે બે દિવસ પહેલા પાંડેસરાની સાત વર્ષની માસુમ સવાની શાહનું મોત નીપજ્યું હતું. જેને લઈ 24 કલાકમાં ત્રણ માસુમ બાળકોના રોગચાળાને લઈ મોતની ઘટના સામે આવતા આરોગ્ય વિભાગે ચિંતા કરવાની સ્થિતિ ઊભી થઈ છે.
રોજગારી માટે પરિવાર નંદુરબારથી સુરત આવ્યો હતો
મળતી વિગત મુજબ મૂળ નંદુરબારના રહેવાસી રાયસીંગ વસાવા તેની પત્ની અને બે બાળકો સાથે સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા મિલન પોઇન્ટ પાસે રહેતા તેના સાળીના ઘરે ગતરોજ આવ્યા હતા. સુરતમાં રોજગારીની શોધમાં રાયસીંગ વસાવા પરિવાર સાથે આવ્યા હતા. મિલન પોઇન્ટ પાસે એક ખોલીમાં તેમને સાળી અને સાઢુની સાથે રાતવાસો કરવા રોકાયા હતા. આ દરમિયાન તેમના છ વર્ષના પુત્ર વિકાસને ઝાડા ઉલટી થતા તેની તબીયત ખૂબ જ લથડી પડી હતી. સવારે સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબી હોય તેને મૃત જાહેર કર્યો હતો.
માતા-પિતા અને પુત્રને ઝાડા ઉલટીમાં સપડાયા
ઝાડા ઉલટીમાં મોતને ભેટનાર વિકાસના માસીએ જણાવ્યું હતું કે, સોમવારે જ વતન નંદુરબારથી સુરત રોજગારીની શોધમાં મારા બેન બનેવી બે પુત્ર સાથે આવ્યા હતા. બહેન-બનેવી અને એના બે બાળક સાથે એક ખોલીમાં ભાડુઆત તરીકે રાત્રિ રોકાણનો પહેલો દિવસ પસાર કરી રહ્યા હતા. ત્યારે રાત્રિના 3 વાગ્યે અચાનક બહેન-બનેવી અને વિકાસની તબિયત લથડી હતી. ત્રણેયને ઝાડ-ઉલટી શરૂ થઈ ગયા હતા. આખી રાત આવી જ રીતે વિતાવવા મજબૂર હતા. સવાર પડતા જ 108ની મદદથી વિકાસ અને એના માતા-પિતાને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.
માતા-પિતાની સારવાર જ્યારે પુત્રનું મોત
વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ત્રણેયને સારવાર માટે ખસેડાયા બાદ ફરજ પરના તબીબે બહેન-બનેવીને દાખલ કરી દેવાયા હતા. જ્યારે 6 વર્ષના વિકાસને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારના ત્રણેય સભ્યોને ઝાડા-ઉલટી થવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
ડીંડોલીમાં બે વર્ષના બાળકનું પણ મોત
બીજા બનાવમાં ડીંડોલીના સાંઈનગરમાં રહેતા 2 વર્ષના રુદ્રાક્ષને અચાનક ઝાડ-ઉલટી શરૂ થઈ ગયાં હતાં. બાદમાં બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક પરિવાર દ્વારા સારવાર માટે સિવિલ લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ડીંડોલી પોલીસને કરાઈ હતી.
અઢી વર્ષીય બાળકનું ઊલટી બાદ મોત
15 જુલાઈએ મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લાં 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને નાનો દીકરો છે. રાત્રે દીકરાએ ઊલટી કરવાનું શરૂ કર્યું હતું. પિતા રાજેશે જણાવ્યું હતું કે, અઢી વર્ષીય લક્કી રાત્રે ઊલટીઓ કરવા લાગ્યો હતો. 4થી 5 વાર ઊલટી થઈ હતી. આ પહેલાં કંઈ જ ન હતું. અચાનક જ બીમાર પડી ગયો હતો. સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા. જો કે, રસ્તામાં જ બેભાન થઈ ગયો હતો. સિવિલ લાવ્યા તો તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતથી માતા અને પિતા બંને ભાંગી પડ્યાં હતાં.
સાડાત્રણ વર્ષીય બાળકના મોતથી પરિવાર શોકમાં
મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં સુનીલ કુમાર પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. સાડાત્રણ વર્ષીય દીકરો શત્રુઘ્નની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજ સવારે ઠંડો પડી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. લક્કી અને શત્રુઘ્નના મોતથી હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. કોઈના પિતા ખંભા પર દીકરાને લઈ જતા નજરે પડ્યા તો કોઈની માતા બેડ પર દીકરાના મૃતદેહ આગળ રડી રહી હતી. કોણ કોને સાંત્વના આપે એવી સ્થિતિ જોવા મળી હતી. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલમાં ગમગીની છવાઇ ગઈ હતી.