સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી પરિણીતાને તાંત્રિક ભેટી ગયો હતો. ઘરમાં ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાના બહાને પરિણીતા સાથે બિભસ્ત અડપલાં કર્યા હતા. બાદમાં વિધિ પૂરી જ કરવી પડશે, જો વિધિ પૂરી નહીં થાય તો તારા પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેવું કહી પરિણીતાને ડરાવી હતી. ત્યારબાદ પરિણીતાના ફોટો વાઇરલ કરવાની ધમકી આપી તેને સમાજમાં બદનામ કરવાની ધાકધમકી આપી અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાને આ મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં અવારનવાર વિધિના બહાને તાંત્રિકો દ્વારા બળાત્કાર કરવામાં આવતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે અમરોલી કોસાડ રોડ પર સ્વીટ હોમની સામે શ્રી હરિકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા રાહુલ દિનેશભાઈ પંડ્યા તેના ઘરે આવ્યા હતા અને પરિણીતાને ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથે હોવાથી ઘરમાં વાસ્તુદોષ છે એટલે આર્થિક તંગી રહે છે તેવું કહી ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાની વાત કરી હતી.
રાહુલ પંડ્યાએ મગના અને અડદના દાણા લઈ પરિણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઊભા રાખી કપાળે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહીને કિસ કરવાની કોશિશ કરી હતી. જોકે, પરિણીતાએ પ્રતિકાર કરતા આખરે રાહુલે હવે તમારે આ વિધિ પૂરી કરવી જ પડશે અને જો તું આ વિધિ પૂરી નહીં કરે તો તારો પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેવું કહીને પરિણીતાને ડરાવી હતી.
તાંત્રિક વિધિના બહાને પરિણીતાના ઘરે આવી તું તારા પતિને ડિવોર્સ આપી દે અને જો ડિવોર્સ નહીં આપે તો તારા ફોટા વાઇરલ કરી તેના સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપી અવારનવાર ઘરે આવી પરિણીતા સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બે વર્ષ બાદ આખરે આ મામલે પરિણીતાએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.