ઓસ્ટ્રેલિયાએ 2 ભારતીય જાસૂસોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા ‘ધ ઓસ્ટ્રેલિયન’ અને ‘ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ’એ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. અહેવાલો કહે છે કે વર્ષ 2020માં ભારતીય જાસૂસોએ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રોજેક્ટ્સ અને એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત ગુપ્ત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ષડયંત્ર પાછળ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના અધિકારીઓનો હાથ હતો. આ મામલાનો પર્દાફાશ થયા બાદ ભારતીય જાસૂસોની ધરપકડ કરીને તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે હવે આ માહિતી સામે આવી છે.
ઓસ્ટ્રેલિયન સરકારમાં વરિષ્ઠ મંત્રી જિમ ચેલમર્સે કહ્યું છે કે અમે આ મામલામાં પડવા માંગતા નથી. ભારત સાથે અમારી સારી મિત્રતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોના પ્રયાસોને કારણે અમારા સંબંધો સુધર્યા છે. મીડિયા રિપોર્ટ્સ પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ABC ન્યૂઝે ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓને ટાંકીને આ અહેવાલ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020માં જાસૂસોના એક જૂથે ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ અને ડિફેન્સ પ્રોજેક્ટ્સ સંબંધિત ગુપ્ત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમાં વ્યાપારી સંબંધોને લગતા ગુપ્તચર દસ્તાવેજો પણ હતા, પરંતુ તે ચોરી થાય તે પહેલા જ તેમણે પકડી લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2021ના વાર્ષિક ખતરા રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન (ASIO)ના ડાયરેક્ટર જનરલ માઈક બર્ગેસે પણ આ અંગે સંકેત આપ્યો હતો. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે જાસૂસો કયા દેશના છે.
રિપોર્ટમાં બર્ગેસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જાસૂસોએ રાજ્ય પોલીસ સેવા સહિત રાજકારણીઓ, ભૂતપૂર્વ પ્રધાનો, વિદેશી દૂતાવાસો સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દેશના વિદેશી સમુદાય પર પણ નજર રાખી હતી. આટલું જ નહીં, જાસૂસોએ એક સરકારી અધિકારીને ઓસ્ટ્રેલિયાના મોટા એરપોર્ટ વિશે માહિતી આપવા માટે પણ સમજાવ્યા હતા.
તેમણે ઓસ્ટ્રેલિયન સરકારના સિક્યોરિટી ક્લિયરન્સ ઓફિસરને પણ તૈયાર કર્યો હતો, જે તેને સુરક્ષા સંરક્ષણ પ્રણાલી સંબંધિત ગુપ્ત માહિતી આપવા જઈ રહ્યો હતો. વોશિંગ્ટન પોસ્ટે પણ એક દિવસ પહેલા એવો દાવો કર્યો હતો કે 2020માં RAWના 2 અધિકારીઓને ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.