- 2015માં 300 મે.વો.ના પાવર જનરેશન માટે એકમ સ્થાપાયો
- દેશની 14 નામાંકિત કંપનીઓ વચ્ચે ટેકઓવર કરવા હોડ જામી
જબ્બર ઔદ્યોગિક વિકાસને વરેલા મુન્દ્રા પંથકમાં હાલ ટુંડા મુકામે કોસ્ટલ ગુજરાત પાવર લી (સીજીપીએલ)અને સિરાચામાં અદાણી સોલાર સહિતના પાવર પ્લાન્ટ કાર્યરત છે. જયારે કોરોનાકાળમાં મંદીના મોજામાં સપડાઈને ફડચામાં ગયેલા ભદ્રેશ્વર સ્થિત પાવર પ્લાન્ટ ખરીદવા કવાયત કરી રહેલી દેશની 14 નામાંકિત કંપનીઓમાં હિડનબર્ગના નકારાત્મક રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ પણ સામેલ હોવાના અહેવાલ સાંપડ્યા છે.
તાલુકા મથક મુન્દ્રા થી બત્રીસ કિમીના અંતરે ભદ્રેશ્વરના સીમાડામાં 2015 ની સાલ માં 1855 કરોડના મૂડી રોકાણ સાથે 300 મેગા વોટના ઓપીજી પાવર જનરેશન ના નામે શરૂ કરાયેલા એકમ ને 2021 માં ભદ્રેશ્વર પાવર સ્ટેશન તરીકે તબદીલ કરાયું.
કંપની પર હાલ પંજાબ નેશનલ બેંકનું 2800 કરોડનું દેવું હોવાથી પૂર્ણ કાર્યભાર બેંકે હસ્તગત કરી લીધો છે. અને અહીંથી તેને ટેક ઓવર કરવાની રેસ લાગી છે. જેમાં અદાણી, રિલાયન્સ, વેદાંતા, જિંદાલ, શેરિશા ટેક્નોલોજી, જે પી ઇસ્કોન, કંડલા એગ્રો સહિતની કંપનીઓ સામેલ છે.