બુધવારે મોડી રાત્રે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કુસ્તીબાજોનો આરોપ છે કે નશામાં ધૂત પોલીસકર્મીઓએ તેમની સાથે મારપીટ કરી અને દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી બેડ સાથે ધરણાં સ્થળ પર પહોંચ્યા હતા, જ્યારે તેમને રોકવામાં આવ્યા તો વિવાદ શરૂ થયો હતો.
પોલીસે સોમનાથ ભારતી સહિત અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે. મહિલા રેસલર વિનેશ ફોગટના ભાઈ દુષ્યંતને અથડામણ દરમિયાન માથામાં ઈજા થઈ હતી. અન્ય રેસલર રાહુલ પણ ઘાયલ થયો હતો.
હોબાળા બાદ કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ દરમિયાન વિનેશ અને સાક્ષી રડવા લાગ્યા. તેણે કહ્યું કે તે આ દિવસ જોવા માટે જ દેશ માટે મેડલ લાવ્યા હતા.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડને લઈને આ કુસ્તીબાજો સતત 11 દિવસથી ધરણા પર છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે.
જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટના ભાઈનું માથું ફૂટ્યું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જંતર-મંતરથી સામે આવેલા વીડિયોમાં વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જણાવ્યું કે પોલીસ કર્મચારીઓએ નશાની હાલતમાં દુર્વ્યવહાર કર્યો અને ગેરવર્તન કર્યું. હંગામા બાદ પોલીસે કેટલાક કુસ્તીબાજોને કસ્ટડીમાં લીધા છે. દરમિયાન પોલીસે પહેલવાનોના સમર્થનમાં લોકો એકત્ર થવા લાગતા જંતરમંતરને ચોતરફથી બંધ કર્યુ છે અને મીડિયાકર્મીઓને પણ બહાર કાઢ્યા હતા.
ઝપાઝપી દરમિયાન વિનેશ ફોગટના ભાઈ સહિત બે કુસ્તીબાજોને ગંભીર ઈજાઓ થઈ છે. બજરંગે સમગ્ર દેશવાસીઓને જંતર-મંતર પહોંચવાની અપીલ કરી છે. મોડી રાત્રે કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને રડતા રડતા તેમનો બળાપો ઠાલવ્યો હતો.
બજરંગ પુનિયાએ કહ્યું- અમે જીતેલા મેડલ ભારત સરકારને પરત કરી દઈશું
રેસલર બજરંગ પુનિયાએ કહ્યું છે કે અમે જીતેલા મેડલ ભારત સરકારને પરત કરી દઈશું. જો દેશનું નામ રોશન કર્યા પછી પણ આ પ્રકારનું વર્તન થાય છે તો અમારે આ મેડલ જોઈતા નથી. દિલ્હી પોલીસ અને બ્રિજ ભૂષણના માણસો શરૂઆતથી જ આ ધરણાને કચડવા માંગતા હતા. ક્યારેક જાતિવાદ તો ક્યારેક પ્રાદેશિકવાદનું નામ આપવામાં આવી રહ્યું છે.
- બજરંગ પૂનિયાએ મોડી રાત્રે એક વીડિયો જારી કરીને લોકોને સવારે 6 વાગ્યા સુધી જંતર-મંતર ન આવવા વિનંતી કરી હતી.
- બજરંગ પુનિયાએ કહ્યું કે દિલ્હીમાં સતત વરસાદને કારણે તે પથારી લઈને આવ્યો હતો. જેની સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો.
- આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ કુસ્તીબાજો માટે પથારીની વ્યવસ્થા કરી હતી. દિલ્હી પોલીસે તેની અટકાયત કરી છે.
- બજરંગ પુનિયાની પત્ની સંગીતાએ લોકોને દિલ્હી પહોંચવાની અપીલ કરી છે. તેણે લખ્યું- નજીકના દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકોએ જલ્દી પહોંચવું જોઈએ!! આપણી બહેન-દીકરીઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે.
- પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સોમનાથ ભારતી પરવાનગી વિના ધરણાંની જગ્યા પર બેડ લાવ્યા હતા.
- ઘટના બાદ જંતર-મંતર પર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિરોધ કરી રહેલા બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી છે. જેમાં એક પહેલવાન રાહુલને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે મારામારીના સમાચારને નકારી કાઢ્યા હતા.
જંતરમંતર ખાતે રેસલર્સ અને પોલીસ વચ્ચેની અથડામણ બાદ કુશ્તીબાજ બજરંગ પૂનિયાએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે અમે જે મેડલ જીત્યા છે તે ભારત સરકારને પરત કરીશું. જો દેશનું નામ રોશન કર્યા પછી પણ આ પ્રકારનું વર્તન થાય છે તો અમારે આ મેડલ જોઈતા નથી.દિલ્હી પોલીસ અને બ્રિજભૂષણના માણસો શરૂઆતથી જ આ ધરણાંને બગાડવા માંગતા હતા. ક્યારેક જાતિવાદ તો ક્યારેક પ્રદેશવાદનું નામ આપવામાં આવી રહ્યું છે.
રેસલર વિનેશે આરોપ લગાવ્યો કે પોલીસકર્મીઓ નશામાં હતા. તેઓએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને મારા ભાઈનું માથું ફોડી નાખ્યું. વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો કે નશામાં ધૂત પોલીસકર્મી ધર્મેન્દ્રએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના ભાઈનું માથું તોડી નાખ્યું. આ પછી પોલીસે વિરોધ સ્થળ પરથી 4 લોકોને કસ્ટડીમાં લીધા હતા.
જંતરમંતર ખાતે રેસલર્સ અને પોલીસ વચ્ચેની અથડામણની ઘટના બાદ સ્થળ પર પહોંચેલા મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ટીંગાટોળી કરીને લઈ જઈ સ્વાતિ માલીવાલને પોલીસ જીપમાં બેસાડી દીધા હતા. સ્વાતિ માલીવાલે જ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. દરમિયાન, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ જંતરમંતર ખાતે પહોંચ્યા હતા. જેમની પણ પોલીસે અટકાયત કરી હતી.
જંતર-મંતર ખાતે મધરાતે કુસ્તીબાજોની પ્રેસ કોન્ફરન્સ
કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટે તેમની વાત કહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિનેશ ફોગાટે કહ્યું કે તે બેડ લેવા જઈ રહી હતી, તે દરમિયાન પોલીસકર્મીએ તેની સાથે ગાળાગાળી કરી અને દુર્વ્યવહાર કર્યો. એવું પણ જણાવ્યું કે આ દરમિયાન પોલીસકર્મીઓએ તેના ભાઈ પર હુમલો કર્યો જે હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બીજો ત્યાં હતો. જ્યારે અન્ય ઘાયલ કુસ્તીબાજ ઉઠવા લાગ્યો ત્યારે તે જમીન પર પડી ગયો અને બેભાન થઈ ગયો. જેને જોઈને વિનેશ અને સંગીતા રડવા લાગ્યા. વિનેશે રડતા રડતા કહ્યું, શું આ દિવસ માટે અમે દેશ માટે મેડલ લાવ્યા છીએ. બ્રિજ ભૂષણ જેની સામે આપણે લડી રહ્યા છીએ તે આજે શાંતિથી સૂઈ રહ્યા છે. જ્યારે અહીં પોલીસ દ્વારા અમારા પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી અમે ખાવાનું પણ ખાધુ નથી અને પોલીસ તોડફોડ કરી રહી છે. આ દરમિયાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક રડવા લાગી હતી.
કુસ્તીબાજોને રાજકીય પક્ષોનું સમર્થન મળી રહ્યું છે
ઘણા રાજકીય પક્ષોના નેતાઓ આંદોલનકારી કુસ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર ગયા છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વિરોધને સમર્થન આપતા કુસ્તીબાજોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા.
કુસ્તીબાજો સાથે પોલીસની અથડામણ પર કોણે શું કહ્યું…
- કોંગ્રેસનું ટ્વિટ- આ આપણા દેશની દીકરીઓ છે, જેમણે દેશનું સન્માન વધાર્યુ છે. આપણને ઘણા મેડલ અપાવ્યા. આજે ગૃહમંત્રી અમિત શાહની પોલીસ તેમની સાથે ગેરવર્તન કરી રહી છે. તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેઓ શોષણ સામે અવાજ ઉઠાવી રહી છે. મોદીજી, આવો અન્યાય કેમ કરી રહ્યા છો?
- ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ – જો તેઓ આંદોલનને બદનામ ન કરી શક્યા, તો હવે તમારી પોલીસ લાઠીઓ વડે તેમના આત્માને તોડવા માંગે છે, પરંતુ યાદ રાખો કે આખો દેશ આ દીકરીઓની સાથે ઉભો છે. વડાપ્રધાનજી, દેશની દીકરીઓને ન્યાયને બદલે લાકડીઓથી મારવી તમને ભારે પડશે.
- લોકસભાના સાંસદ હનુમાન બેનીવાલ – કટ્ટરપંથી પર અડગ રહેલી ભારત સરકારે એ ન ભૂલવું જોઈએ કે ન્યાય માટે આંદોલન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આખો દેશ રસ્તા પર ઉતરી આવશે. કુસ્તીબાજો સાથે ગેરવર્તન કરનારા દોષિત પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.
- ખેડૂત નેતા રાકેશ ટિકૈત – કુસ્તીબાજોના ધરણાં પર દિલ્હી પોલીસનું ગેરવર્તન સહન કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે તાત્કાલિક નોંધ લેવી જોઈએ. ન્યાયની આ લડાઈમાં આખો દેશ કુસ્તીબાજોની સાથે છે.
AAP નેતા સોમનાથ ભારતી સહિત 3 કસ્ટડીમાં: DCP પ્રણવ તાયલ
જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા દરમિયાન AAP નેતા સોમનાથ ભારતી પરવાનગી વિના ફોલ્ડિંગ બેડ લઈને ધરણા સ્થળ પર આવ્યા હતા. જ્યારે અમે દરમિયાનગીરી કરી ત્યારે સમર્થકો આક્રમક બની ગયા હતા અને ટ્રકમાંથી પથારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારપછી નજીવી બોલાચાલી થઈ અને સોમનાથ ભારતી સહિત અન્ય 2ની અટકાયત કરવામાં આવીઃ DCP પ્રણવ તાયલ
મહિલા રેસલર્સ સાથે દુર્વ્યવહાર કર્યા બાદ વિવાદ શરૂ થયો હતો
સાક્ષી મલિકના ફેસબુક પેજ પરથી લાઈવ આવેલા તેના પતિ સત્યવ્રત મલિકે જણાવ્યું કે બુધવારે વરસાદને કારણે ધરણાંના સ્થળે જમીન પર સૂવું શક્ય નહોતું. જેના કારણે બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લગભગ 10:45 વાગ્યે વિનેશ તેની બહેન સંગીતા સાથે ધરણાં સ્થળથી થોડે દૂર એક બેડ લેવા જતી હતી. એટલા માટે ત્યાં નશામાં ધૂત એક પોલીસકર્મીએ પૂછ્યું – તમે ક્યાં જઈ રહ્યા છો. જ્યારે તેણે બેડ લાવવાની વાત કરી તો પોલીસે વિનેશને ગાળો આપતા કહ્યું- અહીં કાદવમાં જ સૂઈ જાઓ.
તેનો વિરોધ કરવા પર પોલીસ-કુસ્તીબાજો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. દરમિયાન, વિનેશના ભાઈ સહિત બાકીના કુસ્તીબાજો આવ્યા અને પોલીસ સહિત ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા. દરમિયાન પોલીસે વિનેશના ભાઈને માથા પર લાકડી મારી હતી. જેના કારણે તે ઘાયલ થયો હતો.
કુસ્તીબાજોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા
વિરોધ એટલો વધી ગયો કે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. કુસ્તીબાજોની અપીલ પર દિલ્હીથી તેમના સમર્થકો પણ ત્યાં પહોંચ્યા હતા. સાથીઓનું મનોબળ વધારવા માટે કુસ્તીબાજોએ ભારત માતા કી જય વંદે માતરમ અને ઈન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
પીટી ઉષાએ કુસ્તીબાજોની ટીકા કરી હતી
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ IOA કાર્યકારી સમિતિની બેઠક બાદ કહ્યું હતું – કુસ્તીબાજો માટે રસ્તા પર પ્રદર્શન કરવું અનુશાસનહીન છે. આનાથી ભારતની છબી ખરાબ થઈ રહી છે. આ નિવેદનનો સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે પણ વિરોધ કર્યો હતો.
દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોલીસે ઢસડ્યા
કુસ્તીબાજોના સમર્થનમાં માર્ચ કાઢી રહેલી દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ, વિદ્યાર્થિનીઓએ પોલીસ પર અભદ્રતા અને મારપીટનો આરોપ લગાવ્યો છે. રવિવારે બજરંગ પુનિયાએ વિદ્યાર્થિનીઓ પાસે સમર્થન માગ્યું હતું. કુસ્તીબાજોએ વિદ્યાર્થિનીઓ સાથે દિલ્હી પોલીસની અભદ્રતાની નિંદા કરી છે.
બીજી તરફ, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ સામે કુસ્તીબાજોએ દિલ્હીના જંતરમંતર પર તેમનાં ધરણાં ચાલુ રાખ્યાં છે. તેમણે દિલ્હી પોલીસની સુરક્ષા પરત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર તેમને સુરક્ષા આપવામાં આવી હતી, જેમાં 12-12 કલાકની શિફ્ટમાં એક કોન્સ્ટેબલને તેમની સાથે રાખવામાં આવ્યો હતો.