ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડીઓ મહાત્મા મંદિર પાસેના મેદાનમાં ગલી ક્રિકેટ રમતાં જોવા મળ્યા છે. હળવાશની પળોમાં લટાર મારવા નીકળેલા ખેલાડીઓ સામાન્ય વ્યક્તિની જેમ નજીકમાં ક્રિકેટ રમતા યુવાનો પાસે પહોંચી ગયા હતા અને તેમને ક્રિકેટ રમતા જોઈ પોતાને રોકી શક્યાં ન હતાં. ત્રણેય ખેલાડીઓએ યુવાનો સાથે બેટિંગ બોલીંગની મજા માણી હતી. જે વીડિઓ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત ખેલાડીઓએ મહાત્મા મંદિર ખાતેની લીલા હોટેલના સ્વિમિંગ પુલમાં વોલિબોલની પણ મજા માણી હતી, જેનો પણ વીડિયો સામે આવ્યો છે.
ગુજરાત ટાઈટન્સની ટીમ મહાત્મા મંદિરની હોટલમાં રોકાઈ
હાલમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે “ઈન્ડિયન પ્રીમિયર લીગ”ની જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં આઇપીએલની મેચ રમતાં ખેલાડીઓને જોવા ક્રિકેટ રસિકોમાં જબ્બર ક્રેઝ છે. આઇપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેની હોટલમાં રોકાઈ હતી.
ત્રણેય ખેલાડીઓએ યુવાનોને ક્રિકેટ રમતાં જોયા
બુધવારની સાંજે હળવાશની પળોમાં ગુજરાત ટાઈટન્સનાં ખેલાડીઓ રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ કેઝ્યુઅલ વેરમાં મહાત્મા મંદિર તરફ લટાર મારવા નીકળ્યા હતા. મહાત્મા મંદિર આસપાસના વિસ્તારોમાં લટાર મારતી વેળાએ ત્રણેય ખેલાડીઓ અત્રેના એક મેદાનમાં ક્રિકેટ રમતાં યુવાનોને જોઈ ગયા હતા.
અચાનક સ્ટાર ખેલાડીઓ મેદાનમાં આવતા યુવાનો અવાક થઇ ગયા
બાદમાં ચાલતાં ચાલતાં ત્રણેય ખેલાડીઓ ગલી ક્રિકેટ રમતાં યુવાનો પાસે પહોંચી ગયા હતા. થોડી વાર યુવાનોને ક્રિકેટ રમતાં નિહાળીની ત્રણેય ખેલાડીઓ પોતાને રોકી શક્યાં ન હતાં અને યુવાનો સાથે ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અચાનક સ્ટાર ખેલાડીઓ મેદાનમાં આવી પહોંચતા સ્થાનિક યુવાનો પણ અવાક થઈ ગયા હતા.
યુવાનોએ ગૌરવભેર વીડિઓ ઉતાર્યો
જે ખેલાડીઓને જોવા માટે હજ્જારો રૂપિયાની ટિકિટ ખર્ચ કરવા છતાં નજીકથી જોઈ શકાતા નથી. એ ખેલાડીઓ સામે ચાલીને સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમવા મેદાને ઉતર્યા હતા અને બેટિંગ – બોલિંગની મજા માણી હતી. ગુજરાત ટાઈટન્સનાં ખેલાડીઓને પોતાની સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતાં જોઈ સ્થાનિક યુવાનોએ ગૌરવભેર વીડિઓ પણ ઉતાર્યો હતો. જે વિડિઓ ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ ઉપરાંત ખેલાડીઓએ મહાત્મા મંદિર સ્થિત સ્વિમિંગ પુલમાં વોલિબોલ રમવાની મજા માણી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યું છે.