સુરતમાં વેસુના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમના કોલના આધારે પીસીઆર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેનું અચાનક જ મોત થયું હતું. આ આખી ઘટનામાં મૃતક કાપડ વેપારીના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને માથામાં બોથડ જેવા પદાર્થથી ઈજા થતા મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
વેસુના આગમ શોપિંગ સેન્ટરની સામે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં મહિલાની છેડતી કરનાર 39 વર્ષીય કાપડ વેપારી સાગર સુનીલ નેવાતીયાને કંટ્રોલ રૂમના કોલના આધારે વેસુ પોલીસની પીસીઆર પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં સાગરની પૂછપરછ ચાલી રહી હતી, ત્યારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી પાણી માંગ્યું હતું. જેથી પોલીસે પાણી આપ્યું હતું, પરંતુ પાણી પીધા બાદ બાકડા પર સુવા જતા બેભાન થઈ ગયો હતો. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
પોલીસે માર માર્યાની વહેતી થયેલી ચર્ચા વચ્ચે વેસુ પોલીસે વેપારી સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અંદાજે 3 કલાક સુધી પોસ્ટર્મોર્ટમની કાર્યવાહી બાદ ફોરેન્સિક તબીબોએ સાગરના કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને મૃત્યુ માટે બોથડ જેવા પદાર્થથી ઇજા થતા મોત થયાનું જણાવ્યું હતું.
પોલીસે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. જેમાં મહિલાની છેડતી કરનાર વેપારી સાગરને એકત્ર થયેલા ટોળાએ બેરહમીપૂર્વક માર માર્યો હતો અને તેના કપડા પણ ફાટી ગયા હતા. ટોળાએ માર માર્યા બાદ સાગર કોમ્પ્લેક્ષમાંથી બહાર નીકળી રસ્તા ઉપર ચાલ્યો ગયો, પરંતુ ત્યાંથી પણ પરત લઈ આવી બીજી વખત પણ માર માર્યો હતો.
પોલીસને આશંકા છે કે, ટોળાએ જ્યારે માર માર્યો ત્યારે કોમ્પલેક્ષ કે રોડ ઉપર પટકાવાથી અથવા તો અન્ય કોઈ રીતે બોથડ પદાર્થ વડે માથામાં ઈજા થઈ હોઈ શકે. જેની તપાસ માટે પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી છે.
છેડતી કરનાર વેપારી સાગર નેવાતીયાનું મોત થતા વેસુ પોલીસે મૃતકના મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. સાગરને બેરહમી પૂર્વક માર મરાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસ તેના આધારે તપાસ કરી રહી છે અને ટોળા વિરુદ્ધ પણ ગુનો નોંધાવાની શક્યતા છે.