સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં રાત્રે કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડબોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હતું. હાલ તો આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ગતરોજ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી.
ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ-તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. ડ્રમમાં યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા.
મહિલાની હત્યા કર્યા બાદ આ લાશને કેવી રીતે છૂપાવવી તે માટે ખૂબ જ ક્રૂરતા અપનાવવામાં આવી હતી. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે, ડ્રમનું વજન 200થી 250 કિલોગ્રામ જેટલું હતું. પોલીસ માટે પડકાર એ હતો કે, આટલું ભારે ભરખમ ડ્રમ લઈ કેવી રીતે જવું? છેવટે ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું.
યુવતીની હત્યા કરી લાશનો નિકાલ કરવામાં હત્યારાઓએ આચરેલી ટ્રિક જોઈ પોલીસ-તબીબો વિચારતા થઈ ગયા હતા. મોડીરાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા. ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી ડેડબોડી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ કરી છે. પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
મૃતક યુવતીની ઉંમર 30 વર્ષની હોવાનું અનુમાન છે. યુવતીને ગળેટૂંપો આપી હત્યા કરાઇ હોવાનું પોલીસ અને તબીબોનું અનુમાન છે. 2-3 દિવસ પહેલાં યુવતીની હત્યા કરાઇ હોવાની શક્યતા છે. લાશ અત્યંત કોહવાઇ ગયેલી હાલતમાં છે અને માથા પર વાળ પણ બચ્યા નથી. આજે સિવિલમાં લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે. જેમાં હત્યા કેવી રીતે થઈ? ક્યારે થઈ? તે સ્પષ્ટ થશે.